14 May, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર , ટાઇગર શ્રોફ
શાહિદ કપૂર અને ટાઇગર શ્રોફની ફિલ્મનાં બજેટ ઘટાડવામાં આવશે એવી ચર્ચા છે. આ વર્ષના પાંચ મહિના પૂરા થવા આવ્યા હોવા છતાં એક પણ ફિલ્મે જોઈએ એવો સારો બિઝનેસ નથી કર્યો. અક્ષયકુમાર-ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષની બિગ બજેટ ફિલ્મમાંની એક હતી અને એ નિષ્ફળ જતાં ઘણા પ્રોડ્યુસર્સ તેમની ફિલ્મો વિશે ફરી વિચારી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ અને રોહિત ધવન સાથે મળીને ટાઇગરની ‘રૅમ્બો’ બનાવી રહ્યા હતા, પણ એના બજેટને કારણે હાલ પૂરતી એને પડતી મૂકવામાં આવી છે. સિદ્ધાર્થ હજી આ ફિલ્મ બનાવવાની ઇચ્છા રાખે છે, પરંતુ ઓછા બજેટમાં અને યોગ્ય સમય આવશે ત્યારે. ટાઇગરની ૨૦૨૩માં આવેલી ‘ગણપત’ની નિષ્ફળતા બાદ એની સીક્વલ પણ પડતી મૂકવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘સ્પાઇડર’ પણ બજેટને કારણે અત્યારે હોલ્ડ પર મૂકવામાં આવી છે. શાહિદ કપૂરની ‘અશ્વત્થામા’ ૫૦૦ કરોડના બજેટમાં બનવાની હતી, પણ બૉક્સ-ઑફિસનો કોઈ ભરોસો ન હોવાથી એ ફિલ્મ પડતી મૂકવાનો વારો આવ્યો હતો. એથી શાહિદે ફિલ્મની ફી ઓછી કરી દીધી અને ૫૦૦ કરોડને બદલે એ ફિલ્મ હવે ૨૦૦ કરોડમાં બનશે.