13 February, 2024 08:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કતારના વડાપ્રધાન સાથે શાહરૂખ ખાન
બૉલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) અત્યારે કતાર (Qatar)ના દોહા (Doha)માં છે. અભિનેતા સ્પેશ્યલ ગેસ્ટ ઑફ ઑનર તરીકે AFC ફાઇનલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની (Sheikh Mohammed bin Abdulrahman bin Jassim Al Thani) સાથે મુલાકાત કરી હતી. કિંગ ખાન અને વડાપ્રધાનની તસવીર પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે, શાહરુખ ખાને કતાર જેલમાં મૃત્યુદંડની સજા કાપી રહેલા આઠ ભૂતપૂર્વ મરીનને મુક્ત કરાવવામાં ફાળો આપ્યો હતો. હવે શાહરૂખ ખાનના મેનેજરે આ અંગે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે, સુપરસ્ટારને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.
કિંગ ખાનની મેનેજર પૂજા દદલાનીએ તેના વતી સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે. શાહરૂખ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘આ નિવેદન એવા અહેવાલોના સંદર્ભમાં છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની ભૂમિકા છે. પરંતુ મિસ્ટર શાહરૂખ ખાનની ઓફિસ સ્પષ્ટ કરવા માંગે છે કે આવા કોઈ કામમાં તેમનો કોઈ ફાળો નથી, આ કામ ભારત સરકારના અથાગ પ્રયાસોને કારણે જ પાર પાડી શકાયું છે અને મિસ્ટર ખાનની આ બાબતમાં કોઈ ભૂમિકા નથી.’
પૂજા દદલાનીએ આગળ લખ્યું, ‘અમે એ પણ કહેવા માંગીએ છીએ કે ડિપ્લોમસી અને સ્ટેટક્રાફ્ટ સંબંધિત તમામ મુદ્દાઓને અમારા નેતાઓએ શાનદાર રીતે નિભાવ્યા છે. મિસ્ટર ખાનની જેમ, અન્ય ભારતીયો પણ ભારતીય નૌકાદળના અધિકારીઓના ઘરે સુરક્ષિત પરત ફરવાથી ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવે છે.’
તમને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી – બીજેપી (Bharatiya Janata Party - BJP) નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ મંગળવારે ટ્વિટર પર દાવો કર્યો હતો કે, શાહરૂખ ખાને કતારમાંથી મરીનને છોડાવવામાં ભૂમિકા ભજવી હતી.
નોંધનીય છે કે, કતારે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે તેમાંથી સાત ભારત પરત ફર્યા છે. સાત ભારતીયોમાં નવતેજ સિંહ ગિલ, સૌરભ વશિષ્ઠ, પૂર્ણેન્દુ તિવારી, બિરેન્દ્ર કુમાર વર્મા, સુગુણાકર પાકલા, સંજીવ ગુપ્તા, અમિત નાગપાલ અને રાગેશનો સમાવેશ થાય છે. તે એક ખાનગી કંપની `અલ દહરા` કંપનીમાં પણ કામ કરતો હતો. આ ભારતીય કર્મચારીઓ ઇટાલીમાં બનેલી નાની સ્ટીલ્થ સબમરીન U2I2ને કતારની નૌકાદળમાં સામેલ કરવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યા હતા. U2I2 સબમરીન ઇટાલિયન કંપની ફિનકેન્ટેરી દ્વારા વિકસિત અને બનાવવામાં આવી છે. આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં ઘણી નાની છે અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે.