30 January, 2023 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
બુધવારે રિલીઝ થયેલી ‘પઠાન’એ ચાર દિવસમાં ડબલ સેન્ચુરી મારીને કલેક્શનની દૃષ્ટિએ તોફાન મચાવી દીધું છે. વાત કરીએ ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શનની તો ‘પઠાન’એ વિશ્વના લોકોને પણ ઘેલું લગાવ્યું છે. ફિલ્મે ૪૨૯ કરોડનો બિઝનેસ કરી લીધો છે. ‘KGF : ચૅપ્ટર 2’ને બસો કરોડનું કલેક્શન મેળવવામાં પાંચ દિવસ લાગ્યા હતા. તો બીજી તરફ ‘દંગલ’ને આઠ દિવસ લાગ્યા હતા ડબલ સેન્ચુરી સુધી પહોંચવામાં. વાત કરીએ ‘બાહુબલી 2 : ધ કન્ક્લુઝન’ની તો એને બસો કરોડનો બિઝનેસ કરવામાં છ દિવસ લાગ્યા હતા. એથી એમ કહી શકાય કે ‘પઠાન’એ ઇતિહાસ રચી દીધો છે. ‘પઠાન’ને લઈને ખાસ્સો વિરોધ પણ શરૂ થયો હતો. એની રિલીઝને અટકાવવા માટે ઘણાબધા દેખાવ પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં ફિલ્મને લોકોએ ઉમળકાથી વધાવી લીધી છે એ એના બૉક્સ-ઑફિસ પરના કલેક્શનને જોતાં ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. હિન્દીમાં આ ફિલ્મે બુધવારે ૫૫ કરોડ, ગુરુવારે ૬૮ કરોડ, શુક્રવારે ૩૮ કરોડ અને શનિવારે ૫૧.૫૦ કરોડની સાથે કુલ મળીને ૨૧૨.૫૦ કરોડનો વકરો કરી લીધો છે. વાત કરીએ તામિલ અને તેલુગુમાં આ ફિલ્મે બુધવારે બે કરોડ, ગુરુવારે ૨.૫૦ કરોડ, શુક્રવારે ૧.૨૫ અને શનિવારે ૧.૭૫ કરોડની સાથે ટોટલ ૭.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ત્રણેય ભાષાઓનું કલેક્શન મળીને ‘પઠાન’એ ચાર દિવસમાં ૨૨૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે.