‘જવાન’ના જબરા ફૅન્સ

08 September, 2023 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાનની ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ને લઈને તેના ફૅન્સમાં ગજબનો ઉત્સાહ છે. થિયેટરની બહાર લોકો ડાન્સ કરી રહ્યા છે.

જવાન

શાહરુખ ખાનની ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ને લઈને તેના ફૅન્સમાં ગજબનો ઉત્સાહ છે. થિયેટરની બહાર લોકો ડાન્સ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને રિદ્ધિ ડોગરા પણ જોવા મળી રહ્યાં છે. શાહરુખની આ ફિલ્મનું બૅનર લઈને તેના પ્રત્યેની દીવાનગી દેખાડી રહ્યા છે. કેટલાક થિયેટરની બહાર શાહરુખનું વિશાળ કટ-આઉટ મૂકવામાં આવ્યું છે અને એના પર ફૂલોની વર્ષા કરવામાં આવે છે. ઘણા ઠેકાણે ‘જવાન’નો સવારે છ વાગ્યાનો શો યોજવામાં આવ્યો હતો. મુંબઈના ગેઇટી, ગૅલૅક્સી બહાર તો લોકો મધરાતથી જ પહોંચી ગયા હતા અને થિયેટરના દરવાજા ખૂલે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કલકત્તાની વાત કરીએ તો ત્યાં શાહરુખના પોસ્ટર પર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. કેટલાંય થિયેટરની બહાર લોકોએ ઢોલના તાલે ડાન્સ પણ કર્યો હતો. વાત કરીએ બૅન્ગલોરની તો ત્યાં ‘જવાન’ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોને સેલિબ્રેટ કરવા માટે ‘જવાન’ના સ્પેલિંગવાળી કેક કટ કરવામાં આવી હતી. આવી રીતે શાહરુખના ફૅન્સ માટે આ ફિલ્મ કોઈ તહેવારથી ઓછી નથી અને એને સેલિબ્રેટ કરવામાં તેમનો ઉત્સાહ પણ ઓછો પડે એમ નથી. આ વર્ષની શરૂઆતમાં શાહરુખની ‘પઠાન’ રિલીઝ થતાં જ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચી ગઈ હતી. ત્યારે પણ તેના ફૅન્સે આટલા જ પ્રેમ અને ઉત્સાહ દેખાડ્યા હતા.

રિલીઝની સાથે જ લીક થઈ ‘જવાન’

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ ગઈ કાલે થિયેટરમાં રિલીઝ થવાની સાથે જ ઑનલાઇન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ જોવા જ્યાં એક તરફ લોકોની ભીડ થિયેટર્સમાં ઊમટી રહી છે. તો બીજી તરફ ઑનલાઇન લીક થવાથી ફિલ્મમેકર્સની ચિંતા વધી જશે. આ ફિલ્મ અનેક પાઇરેટેડ વેબસાઇટ પર લીક થઈ ગઈ છે. એથી ફિલ્મના બિઝનેસ પર માઠી અસર પડી શકે છે. આ ​ફિલ્મને સાઉથના ઍટલીએ ડિરેક્ટ કરી છે. તો સાઉથની નયનતારા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. સાથે જ દીપિકા પાદુકોણ પણ સ્પેશ્યલ રોલ કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ અગાઉ શાહરુખે વૈષ્ણોદેવી મંદિર અને તિરુપતિ મંદિર જઈને દર્શન કર્યાં હતાં. 

‘જવાન’ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝનો જમાવડો

શાહરુખ ખાનની ‘જવાન’ની રિલીઝ અગાઉ રાખેલા સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝનો મેળાવડો જામ્યો હતો. શાહરુખની દીકરી સુહાના ખાન પણ તેના ડૅડી સાથે ફિલ્મ જોવા પહોંચી હતી. આ સિવાય દીપિકા પાદુકોણ, હૃતિક રોશન, કૅટરિના કૈફ, સાન્યા મલ્હોત્રા અને કૉમેડિયન સુનીલ ગ્રોવર પણ પહોંચ્યાં હતાં. ૬ સપ્ટેમ્બરે રાતે રાખવામાં આવેલા આ સ્ક્રીનિંગમાં કૅટરિના બ્લૅક સનગ્લાસિસ પહેરીને પહોંચી હતી. આ ફિલ્મનું સ્ક્રીનિંગ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોઝમાં રાખવામાં આવ્યું હતું.

 

Shah Rukh Khan fan bollywood movie review bollywood news entertainment news