04 November, 2024 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરી ખાને સોશ્યલ મીડિયા પર શૅર કરેલા આ ફોટોમાં કિંગ ખાન કેક કાપી રહ્યો છે.
બાંદરાના એક ઑડિટોરિયમમાં ફૅન્સને મળ્યો શાહરુખ, ગુડ ન્યુઝ આપ્યા કે હવે તેણે સ્મોકિંગ છોડી દીધું છે
બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને શનિવારે તેની ૫૯મી વર્ષગાંઠ મુંબઈના બાંદરામાં આવેલા બાલગંધર્વ રંગ મંદિર ઑડિટોરિયમમાં ફૅન્સ સાથે મનાવી હતી. શાહરુખે ફિલ્મ ‘બાદશાહ’ના ગીત પર ઑડિટોરિયમમાં એન્ટ્રી મારી હતી અને બાદમાં સેંકડો ફૅન્સની હાજરીમાં કેક-કટિંગ કર્યું હતું. ત્યાર બાદ શાહરુખે અમુક ફૅન્સ સાથે વાતચીત કરી હતી. આ સમયે કિંગ ખાને કહ્યું હતું કે અનેક ફૅન્સ સોશ્યલ મીડિયામાં પૂછી રહ્યા છે કે મારી હવે પછીની ફિલ્મ ક્યારે અનાઉન્સ કરશો. યાદ રાખજો ૧૦૦ સોનારની અને એક લોહારની હોય છે. તમે ધીરજ રાખો, ફિલ્મ ટૂંક સમયમાં જ અનાઉન્સ કરવામાં આવશે. આ સમયે ચેઇન સ્મોકર શાહરુખ ખાને જાહેરાત કરી કે તેણે સિગારેટ પીવાનું છોડી દીધું છે.
સંતાન આર્યન, સુહાના અને અબરામની વચ્ચે લડાઈ થાય તો કોની સાઇડ લેશો? એક ફૅને પૂછેલા સવાલના જવાબમાં શાહરુખે કહ્યું હતું કે ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. પહેલી વાત એ છે કે મારાં બાળકો લડતાં નથી. માની લઈએ કે લડે છે તો હું મારી દીકરી સુહાનાની સાઇડ લઈશ. મહિલા કે યુવતીઓ શક્તિની પ્રતીક હોય છે અને આ જ કારણસર હું સુહાનાની સાઇડ લઈશ.’
શાહરુખ ખાનના બર્થ-ડેએ દેશભરમાંથી મોટી સંખ્યામાં ફૅન્સ મુંબઈ આવે છે. તેઓ શાહરુખ ખાનના મન્નત બંગલોની બહાર એકત્રિત થાય છે. જોકે આ વખતે બહું જ ઓછા ફૅન્સ શાહરુખના બંગલો સુધી પહોંચી શક્યા હતા. પોલીસે મોટા ભાગના ચાહકોને રસ્તામાંથી જ પાછા મોકલી દીધા હતા. બાબા સિદ્દીકીની હત્યા બાદ બૉલીવુડના સ્ટાર્સ પર બિશ્નોઈ ગૅન્ગની નજર હોવાથી સલામતીના કારણોસર પોલીસે આ વર્ષે શાહરુખને દર વર્ષની જેમ બંગલોની ગૅલેરીમાં જઈને ફૅન્સનું અભિવાદન પણ નહીં કરવાની સલાહ આપી હતી.
બાંદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રદીપ કેરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાબા સિદ્દીકીની હત્યા થવાની સાથે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. સલામતીના કારણસર શાહરુખ ખાન બાબા સિદ્દીકીની હત્યા બાદ દફનવિધિમાં પણ સામેલ નહોતો થયો. અત્યારની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે શાહરુખને બર્થ-ડેમાં ફૅન્સનું અભિવાદન ન કરવાની સલાહ આપી હતી. હજારોની સંખ્યામાં ફૅન્સ મન્નત બંગલે પહોંચે છે. તેમનું સ્ક્રીનિંગ કરવાનું અમારા માટે શક્ય નથી. ફૅન્સની વચ્ચે ઘૂસીને હુમલો થવાની શક્યતા રહે છે. આથી શાહરુખ ખાને ફૅન્સનું અભિવાદન નહોતું કર્યું.’