કંગના સાથેનું સમાધાન સમજૂતીથી નથી થયું, તેણે લેખિતમાં માફી માગી છે

30 March, 2025 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાવેદ અખ્તર અને ઍક્ટ્રેસ વચ્ચે ચાલેલા વિવાદ વિશે પત્ની શબાના આઝમીએ મોટી સ્પષ્ટતા કરી

શબાના આઝમી, કંગના રનૌત અને જાવેદ અખ્તર

ગીતકાર જાવેદ અખ્તર અને ઍક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે ૨૦૨૦થી કાનૂની જંગ ચાલી રહ્યો હતો. ૨૦૨૦માં જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હકીકતમાં હૃતિક અને કંગનાના અફેરનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાવેદે મને વિવાદ દરમ્યાન રાકેશ રોશન અને તેના પરિવાર સાથે સમાધાન કરવા કહ્યું હતું. આ નિવેદનથી અપસેટ થઈને જાવેદ અખ્તરે પછી કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

જોકે કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહેલા માનહાનિના કેસનો નિવેડો ૨૮ ફેબ્રુઆરીએ આવ્યો હતો. હવે આ મામલે જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીની પ્રતિક્રિયા સામે આવી છે.

શબાના આઝમીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘જાવેદ અખ્તર ઇચ્છતા હતા કે કંગના તેમની પાસે લેખિતમાં માફી માગે. તેઓ બીજી કોઈ વાતથી માનવા તૈયાર નહોતા. આ જીત જાવેદ અને તેમના વકીલ જય ભારદ્વાજની છે. એ માટે તેઓ પાંચ વર્ષ કેસ લડ્યા હતા છતાં મીડિયાએ એને એવું કેમ દર્શાવ્યું જાણે સમજૂતીથી સમાધાન થઈ ગયું હોય. આ વાતને ખોટી રીતે મીડિયામાં રજૂ કરવામાં આવી છે.’

javed akhtar kangana ranaut shabana azmi bollywood news bollywood bollywood buzz entertainment news