25 February, 2023 10:09 AM IST | Mumbai | Harsh Desai
સેલ્ફી રિવ્યૂ : વોહી પુરાના અક્ષયકુમાર
સેલ્ફી
કાસ્ટ : અક્ષયકુમાર, ઇમરાન હાશ્મી, ડાયના પેન્ટી, નુસરત ભરૂચા, અભિમન્યુ સિંહ
ડિરેક્ટર : રાજ મેહતા
રિવ્યુ : અઢી સ્ટાર (ઠીક ઠીક )
અક્ષયકુમારની ‘સેલ્ફી’ ગઈ કાલે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી, ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ છે. અક્ષયની ‘ગુડબાય’ના ડિરેક્ટર રાજ મેહતાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાઉથની ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ની હિન્દી રીમેક છે, પરંતુ એમ છતાં એ ‘ઍન ઍક્શન હીરો’ અને ‘ફૅન’ની યાદ અપાવે છે.
આ ફિલ્મમાં અક્ષયકુમારે સુપરસ્ટાર વિજય કુમારનું પાત્ર ભજવ્યું છે અને ઇમરાન હાશ્મીએ આરટીઓ ઑફિસર ઓમ પ્રકાશ અગરવાલનું પાત્ર ભજવ્યું છે. વિજય ભોપાલમાં શૂટિંગ કરી રહ્યો હોય છે. તેને તેની ફિલ્મના ક્લાઇમૅક્સના દૃશ્ય માટે કાર ચેઝનું શૂટિંગ કરવાનું હોય છે. આ માટે તેને લાઇસન્સની જરૂર હોય છે. તેનો જબરો ફૅન કહો કે ભક્ત ઓમ તેને એ માટે મદદ કરે છે, પરંતુ બદલામાં તેને એક સેલ્ફી જોઈતો હોય છે. અહીં નરેન્દ્ર મોદીના ભક્તની વાત નથી થઈ રહી. જોકે વિજયને એ પસંદ નથી પડતું. તેમની વચ્ચે મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થાય છે અથવા તો કહો કે નજીવી જેવી વાતનો મોટો ઇશ્યુ બનાવી દેવામાં આવે છે.
આ ફિલ્મની સ્ટોરીને ઓરિજિનલ જેવી જ બનાવવામાં આવી છે. જોકે એમાં થોડા ફની ડાયલૉગ અને કેટલીક સોસાયટીને આયનો દેખાડતી વસ્તુઓ દેખાડવામાં આવી છે. રાજ મેહતાના ડિરેક્શનમાં પણ કોઈ નવીનતા નથી, પરંતુ ઓરિજિનલ ફિલ્મ ન જોઈ હોય તો આ ફિલ્મ જોવાની મજા આવી શકે છે. ઇમરાન અને અક્ષયના પાત્રને વધુ સારી રીતે બનાવી શકાયાં હોત. ઓરિજિનલ સ્ક્રિપ્ટની અંદર બદલાવ કરીને વધુ સારી સ્ટોરી અને સ્ક્રિપ્ટમાં એક ફ્રેશનેસ લાવી શકાઈ હોત.
આ પણ વાંચો: મેરે લિએ ભારત હી સબ કુછ હૈ : અક્ષયકુમાર
અક્ષયકુમારને આજ સુધી આપણે જે કરતાં જોયો છે આ ફિલ્મમાં પણ તે એ જ કરી રહ્યો છે. તેણે હવે ખરેખર પોતાના પાત્રને સમજીને પસંદ કરવાની જરૂર છે. ઇમરાન હાશ્મી કૉમન મૅનનું પાત્ર ભજવી રહ્યો છે, પરંતુ કૉમન મૅનનો બોજ તેના પર ખૂબ જ વધી ગયો હોય એવું લાગે છે. તે એક સામાન્ય માણસથી લઈને પિતા અને આરટીઓ ઑફિસરના શેડ બરાબર નથી દેખાડી શક્યો. ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા ફક્ત તેમના પતિને ખોટા રસ્તે ન જવા દેવા માટે હોય છે. જોકે એ પણ નામપૂરતી જ. તેમની સાથે કુશા કપિલા પણ નામપૂરતી જ જોવા મળે છે. અભિમન્યુ સિંહનું પાત્ર થોડું ઇન્ટરેસ્ટિંગ છે અને કેટલાંક દૃશ્યમાં તેને જોવાની પણ મજા આવે છે.
સેલ્ફીમાં સ્ક્રિપ્ટમાં ઇનોવેશન લાવવાનું જરૂરી હતું, પરંતુ સાથે જ એના ગીત પર પણ કામ કરવું એટલું જ જરૂરી હતું. મૈં ખિલાડી તૂ અનાડી ગીત ઓરિજિનલ સારું હોવાથી થોડુંઘણું ફેમસ થયું છે. એમ છતાં રીમેકમાં એટલી મજા નથી. આ સિવાય સેલ્ફી માટે ઘણા સિંગર અને રૅપરે અલગ-અલગ મ્યુઝિક આપ્યું છે, પરંતુ એમ છતાં એમાં જોઈએ એટલો દમ નથી. યો યો હની સિંહનાં ગીત ભૂતકાળમાં ખૂબ જ હિટ રહ્યાં છે અને હજી પણ તેનાં ઘણાં ગીત હિટ રહે છે, પરંતુ સેલ્ફીનું તેનું ગીત એટલું દમદાર નથી.
અક્ષયકુમારની આ ફિલ્મમાં ફ્રેશનેસ લાવવાની ખૂબ જ જરૂર હતી, કારણ કે જ્યારે પણ ફિલ્મ ઓરિજિનલથી હટીને કંઈક નવું દેખાડે છે ત્યારે એ દૃશ્ય જરૂર રંગ લાવે છે.