`સત્યપ્રેમ કી કથા` રિવ્યુ: સત્ય-કથાની પ્રેમપરીક્ષા

30 June, 2023 12:48 PM IST  |  Mumbai | Hiren Kotwani

આ ફિલ્મના ઍક્ટર્સના પર્ફોર્મન્સ અને જે મેસેજ આપવામાં આવ્યો છે એના કારણે ફિલ્મ જોવી ઇન્ટરેસ્ટિંગ બને છે.

સત્યપ્રેમ કી કથા

કાસ્ટ: કાર્તિક આર્યન, કિયારા અડવાણી, ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક કપૂર, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ

ડિરેક્ટર: સમીર વિદ્વાંસ

ફિલ્મની શરૂઆત ત્યાંથી થાય છે જ્યારે હીરો ગુજ્જુ પટાખાનાં સપનાં જોતો હોય છે. ઘણી સુંદર છોકરીઓ તેની સાથે લગ્ન કરવા માગતી હોય એવાં સપનાં તે જોતો હોય છે. જોકે તેનાં આ સુંદર સપનાં પર પાણી ત્યારે ફરી વળે છે જ્યારે તેના પપ્પા તેને લાત મારીને જગાડે છે. જોકે આ માટે સત્યપ્રેમ એટલે કે સત્તુનું પાત્ર ભજવતા કાર્તિક આર્યનની ભૂલ કાઢવી મુશ્કેલ છે. તે વકીલ બનવા માગતો હોય છે, પરંતુ ​પરીક્ષામાં નાપાસ થયો હોય છે. તેની પાસે નોકરી નથી હોતી અને તે તેની મમ્મી દિવાળી એટલે કે સુપ્રિયા પાઠક કપૂર અને બહેન સેજલ એટલે કે ​શિખા તલસાણિયા સાથે રહેતો હોય છે. તે દિવસભર ઘરનું કામ કરતો હોય છે. તેના પિતા નારાયણ એટલે કે ગજરાજ રાવ તેના એકમાત્ર ફ્રેન્ડ હોય છે. તેઓ સતત તેને તેના દિલને ફૉલો કરવા માટે કહેતા હોય છે. સત્તુએ જ્યારથી કથા એટલે કે કિયારા અડવાણીને જોઈ હોય છે ત્યારથી તેના પ્રેમમાં પડ્યો હોય છે. કથાનું તાજું-તાજું બ્રેકઅપ થયું હોય છે. ઉત્તરથી લઈને દ​િક્ષણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી કથા તેની ઔકાતની બહાર હોય છે.

કથાના પિતા હરિકિશન એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા અને મમ્મી રસના એટલે કે અનુરાધા પટેલ સત્તુના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવે છે. જોકે સત્તુને એહસાસ થાય છે કે તેઓ ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યાં હોવા છતાં પણ તેના માટે આ એટલું સરળ નથી રહેવાનું. આનાથી વધુ સ્ટોરી કહેવી સ્પૉઇલર બની શકે છે. ફિલ્મને જોયા આદ એહસાસ થાય છે કે ફિલ્મનું નરેટિવ ટ્રેલર કરતાં એકદમ અલગ છે. ગુજરાતી ટચ અને ટ્વિસ્ટને કારણે સત્તુના કથા પ્રત્યેના સત્ય પ્રેમની પરીક્ષા તો લેવામાં આવે જ છે, પરંતુ સાથે એક સ્ટ્રૉન્ગ મેસેજ પણ આપવામાં આવે છે.
કાર્તિક તેનો જાદુ ચલાવવામાં સફળ રહ્યો છે. તેણે આ પાત્રને ખૂબ જ પ્રામાણિકતાથી ભજવ્યું છે અને એથી તે રિયલ પણ લાગે છે. ઇમોશનલ ​દૃશ્યોને પણ તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યાં છે. તેણે આ દૃશ્ય ખૂબ જ સરળતાથી ભજવ્યાં છે અને સાચું કહીએ તો સત્તુમાં તે નૅચરલ જોવા મળે છે. જોકે સૌથી વધુ તાળી અને સીટીઓ કિયારા માટે પડી છે એ કહેવું ખોટું નથી. કથાનું પાત્ર ખૂબ જ કૉમ્પ્લેક્સ છે, પરંતુ તેણે તેની ઍક્ટિંગની ક્ષમતાથી તેના પર્ફોર્મન્સને ખૂબ જ નિખાર્યો છે. ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ અને શિખા તલસાણિયાએ તેમની ઍક્ટિંગ દ્વારા આ ફૅમિલી ડ્રામાની વૅલ્યુ વધારી છે જેની તેમની પાસે આશા રાખવામાં આવી રહી હતી.

ડિરેક્ટર સમીર વિદ્વાંસ દ્વારા એક એવા વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે જે મહિલાઓને આગળ લાવી તેમને તેમના વિચારો રજૂ કરવા માટે એક સ્ટેજ આપે છે, પરંતુ સાથે જ ફિલ્મના અંતમાં એક જોરદાર મેસેજ પણ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં સેટ આ ફિલ્મની સ્ટોરીમાં મોટા ભાગની તેની ગુજરાતી ફ્લેવર કામ કરી ગઈ છે. જોકે કરણ શ્રીકાંત શર્માનો સ્ક્રીનપ્લે થોડો વધુ પાવરફુલ હોવો જોઈતો હતો. બે કલાક અને ૨૬ મિનિટની આ ફિલ્મના પહેલા પાર્ટમાં ફિલ્મ સ્ટોરી ડેવલપ કરવા માટે ઘણો સમય લે છે. જોકે ઇન્ટરવલ બાદ એ તમામને ન્યાય આપવા માટે પૂરતો સમય નથી બચતો. કદાચ એ જ કારણ છે કે મારી આગળની સીટ પર બેઠેલા કેટલાક દર્શકો એ સમય દરમ્યાન મોબાઇલ પર ગેમ રમી રહ્યા હતા. સિનેમૅટોગ્રાફર અયનાંકા બોઝ દ્વારા અમદાવાદની ખૂબસૂરતીને સુંદર રીતે દેખાડવામાં આવી છે. ગરબાનું ગીત છે એમાં લાઇટિંગને વધુ સુંદર રીતે દેખાડવામાં આવી હોત તો મજા આવી ગઈ હોત. પાયલ દેવ, મનન ભારદ્વાજ, મીત બ્રધર્સ અને અંજાન દ્વારા આપવામાં આવેલો સાઉન્ડ ટ્રૅક સારો છે. પાકિસ્તાની આર્ટિસ્ટ અલી સેઠી અને શઈ ગિલનું ‘પસૂરી’નું રેક્રીએશન રોચક કોહલી દ્વારા બનાવવામાં આવ્યું છે, જે અહીં કામ નથી કરી રહ્યું.

આ ફિલ્મના ઍક્ટર્સના પર્ફોર્મન્સ અને જે મેસેજ આપવામાં આવ્યો છે એના કારણે ફિલ્મ જોવી ઇન્ટરેસ્ટિંગ બને છે. આ ફિલ્મ ચહેરા પર સ્માઇલ લાવવાની સાથે જ દિલને પણ એટલી જ સ્પર્શી જશે.

ફાલતુ,   ઠીક-ઠીક, ટાઇમ પાસ, પૈસા વસૂલ, બહુ જ ફાઇન

film review kartik aaryan kiara advani siddharth randeria bollywood movie review bollywood entertainment news