11 September, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
વિન્ટેજ લુક કંઈ નવી વાત નથી અને સેલિબ્રિટીઝ અવારનવાર એમાં અખતરા કરતી જોવા મળતી હોય છે પરંતુ તાજેતરમાં સારા અલી ખાને કપડાંમાં કરેલી નવાજૂનીએ ભારે ચર્ચા જગાવી છે. તાજેતરમાં અંબાણી ફૅમિલીના ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે પહોંચેલી સારાનાં કપડાંએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. A-લાઇન પૅટર્નના ઘાઘરા અને સિલ્ક દુપટ્ટા સાથેની પર્પલ, ગ્રીન અને પિન્ક ઝાંયવાળાં આ ચણિયા-ચોળી દરઅસલ મલ્ટિકલર બ્રૉકેડ સાડીમાંથી બનાવવામાં આવ્યાં છે. ઝરી અને રેશમના દોરાને ગૂંથીને બનતા બ્રૉકેડ મટીરિયલની લગભગ પચાસેક વર્ષ જૂની સાડીઓમાંથી આવો એલિગન્ટ લુક મેળવવામાં આવ્યો છે.
ચણિયા-ચોળીમાં સારાના બ્લાઉઝની પૅટર્ન પર પણ એક નજર ફેરવવા જેવી છે. પર્પલ શેડનું બૅકલેસ બ્લાઉઝ જે દોરી, ગોલ્ડ બ્રૉકેડ જરદોસી એમ્બ્રૉઇડરી અને ગોટા પટ્ટી બૉર્ડર સાથે સજ્જ છે જે તમને નવરાત્રિની યાદ અપાવે. સાથે જ સિમ્પલ ગોલ્ડન પોલ્કી ચોકર નેકલેસ, ઝૂમકા અને સ્ટેટમેન્ટ રિન્ગ અને અતિશય નૅચરલ મેકઅપ, માથામાં ફૂલ સાથેના લુકથી કોણ ઇમ્પ્રેસ ન થાય? તેની તસવીરી ઝલક અહીં જુઓ અને એ પણ સ્વીકારી લો કે હવે તમારાં દાદી-નાનીની જૂની સાડીઓ કાઢીને એને આ રીતે રીસાઇકલ કરવાનો સમય આવી ગયો છે.