19 October, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાન તેની મૉમ અમ્રિતા સિંહ સાથે ફોટો અને વિડિયોઝમાં અવારનવાર જોવા મળે છે. આ વખતે બન્ને એક જુદા કારણસર સમાચારમાં છે. વાત એમ છે કે સારા અને અમ્રિતા સિંહે મુંબઈના અંધેરી વેસ્ટમાં બે ઑફિસ ખરીદી છે, જેની કુલ કિંમત ૨૨.૨૬ કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ તેમનું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે.
રિપોર્ટ અનુસાર સારા અને તેની મૉમ અમ્રિતા સિંહે વીરા દેસાઈ રોડ પર આવેલા સિગ્નેચર બિલ્ડિંગના નવમા માળે બે ઑફિસ સ્પેસ ખરીદી છે. એક ઑફિસની કિંમત ૧૧.૩ કરોડ રૂપિયા છે. એમાં ૬૬.૮ લાખની સ્ટૅમ્પ-ડ્યુટી છે. ઑફિસની સ્પેસ ૨૦૦૯ સ્ક્વેર ફુટ છે. ૨૦૨૩ના જુલાઈ મહિનામાં સારા અને અમ્રિતાએ આ જ બિલ્ડિંગના ચોથા માળે ૯ કરોડની એક ઑફિસ ખરીદી હતી. ૨૦૦૪માં સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ છૂટાં પડ્યાં હતાં. સારા ત્યારથી મમ્મી અમ્રિતા સાથે જ રહે છે.