07 August, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત
૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘સન ઑફ સરદાર’ની સીક્વલમાંથી સંજય દત્તને રિપ્લેસ કરવામાં આવ્યો છે, કારણ કે સંજય દત્તને યુનાઇટેડ કિંગડમ (UK)ના પ્રવાસ માટે વીઝા મળ્યા નથી. સંજયની
વીઝા-અરજી તેની સામે ભૂતકાળમાં થયેલા કેસને કારણે ફગાવી દેવામાં આવી છે.
૧૯૯૩ના એપ્રિલમાં સંજય દત્તની ધરપકડ ટેરરિસ્ટ ઍન્ડ ડિઝરપ્ટિવ ઍક્ટ (TADA) અને આર્મ્સ ઍક્ટ હેઠળ કરવામાં આવી હતી. તેની પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવ્યાં હતાં અને એ હથિયાર તેને ૧૯૯૩ના મુંબઈમાં થયેલા બૉમ્બધડાકા કેસના બીજા આરોપીઓ પાસેથી મળ્યાં હતાં. સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. ૨૦૧૩ના માર્ચમાં સુપ્રીમ કોર્ટે તેને પાંચ વર્ષની સજાને બહાલી આપી હતી અને અનેક વાર જામીન-અરજીઓ કર્યા બાદ છેવટે તેણે ૨૦૧૬માં જેલની પાંચ વર્ષની સજા પૂર્ણ કરી હતી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે સંજય દત્ત ભૂતકાળમાં પણ બ્રિટનના વીઝા મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. ૧૯૯૩માં તેની ધરપકડ બાદ તેણે અમેરિકાનો પ્રવાસ કર્યો ત્યારે તેણે ઘણી વાર બ્રિટનના વીઝા માટે અરજી કરી હતી, પણ વીઝા મળ્યા નહોતા. ‘સન ઑફ સરદાર 2’ના શૂટિંગ માટે તે પહેલી વાર બ્રિટન જવાનો હતો, પણ અજય દેવગનની ટીમને ખબર પડી કે આ સિનિયર ઍક્ટરની વીઝા-અરજી નામંજૂર કરવામાં આવી છે ત્યારે એણે તેની જગ્યાએ રવિ કિશનને એની ભૂમિકા માટે રિપ્લેસ કર્યો હતો.
હાઉસફુલ 5નું શું થશે?
સંજય દત્તને UKના વીઝા નહીં મળવાને કારણે હવે તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 5’ વિશે પણ સવાલ પુછાઈ રહ્યા છે. અક્ષયકુમારના ગજબના કૉમિક ટાઇમિંગ માટે જાણીતી થયેલી આ કૉમેડી ફિલ્મનું શૂટિંગ પણ સપ્ટેમ્બરમાં લંડનમાં શરૂ થવાનું છે. શું પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા પણ સંજય દત્તનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે? ખરેખર નહીં. આ મુદ્દે એક સૂત્રે જણાવ્યું હતું કે ‘સાજિદે આ માટે એક બીજો રસ્તો અપનાવ્યો છે. લંડનમાં શૂટિંગ તો થશે, પણ સંજય દત્તના હિસ્સાનું શૂટિંગ મુંબઈમાં થશે. આમ આ ફિલ્મમાં સંજય દત્તને વાંધો નહીં આવે.’