26 January, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવાદિત દૃશ્ય
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત ‘છાવા’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા એક દૃશ્યને કારણે વિવાદ થઈ ગયો છે. આ ફિલ્મમાં સંભાજી મહારાજ અને મહારાણી યેસુબાઈનો ડાન્સ દેખાડવામાં આવ્યો છે. આ ડાન્સ સામે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય સંભાજી રાજે છત્રપતિએ વાંધો ઉપાડ્યો છે. આ મુદ્દે કેટલાંક મરાઠા સંગઠનોએ પુણેના ઐતિહાસિક લાલ મહેલમાં આ ડાન્સના મામલે વિરોધ-પ્રદર્શન કર્યું છે.
આ દૃશ્યમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના મહારાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત જેવા સંગીત વાદ્યયંત્ર લેજીમ સાથે ડાન્સ કરી રહ્યાં છે. આ દૃશ્ય સામે વાંધો ઉઠાવીને સંભાજી રાજેએ કહ્યું છે કે ‘એ સરાહનીય છે કે આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને વીરતાપૂર્ણ શાસનકાળને દર્શાવે છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર અને તેમની ટીમે મને આ ફિલ્મનું ટ્રેલર દેખાડ્યું. મેં તેમને કહ્યું કે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એેને આખી જોવા ઇચ્છું છું. મેં તેમને ઇતિહાસકારોને પણ દર્શાવવાનું કહ્યું છે જેથી આટલી મહત્ત્વની વાર્તા આખી દુનિયા સામે પ્રામાણિકતાથી રજૂ કરી શકાય. જોકે નિર્માતાઓએ હજી તેમનો સંપર્ક નથી કર્યો. લેજીમ અમારા સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો હિસ્સો છે પણ એ વાત પર ચર્ચા જરૂરી છે કે શું આ રીતની સિનેમૅટિક લિબર્ટી સંભાજી મહારાજની ગરિમા અને ઐતિહાસિક ચિત્રણ સાથે મેળ ખાય છે ખરી?’
‘છાવા’ એક ઐતિહાસિક ડ્રામા છે જેની વાર્તા છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર સંભાજી મહારાજના જીવનની આસપાસ આકાર લે છે. ફિલ્મમાં આ રોલ વિકી કૌશલ ભજવી રહ્યો છે. ફિલ્મમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સિવાય અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, નીલ ભૂપાલમ, સંતોષ જુવેકર અને પ્રદીપ રાવતની મુખ્ય ભૂમિકા છે.