24 August, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય, વીરુ અને ગબ્બર
સલમાન ખાનની ઇચ્છા છે કે ‘શોલે’ની રીમેક બને અને એમાં જય, વીરુ અને ગબ્બરનાં પાત્ર તે પોતે ભજવવા માગે છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ‘શોલે’ યાદગાર ફિલ્મોમાંની એક છે. એ ફિલ્મની સ્ટોરી સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ લખી હતી. એના ડાયલૉગ્સ અને પાત્રો હજી પણ લોકોને યાદ છે. એ ફિલ્મમાં જયના રોલમાં અમિતાભ બચ્ચન, વીરુના રોલમાં ધર્મેન્દ્ર અને ગબ્બરના પાત્રમાં અમજદ ખાન હતા. સલીમ ખાન અને જાવેદ અખ્તરની લાઇફ પર આધારિત ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘ઍન્ગ્રી યંગ મેન’ પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે. એ સિરીઝને જોતાં પ્રાઇમ વિડિયોની યુટ્યુબ ચૅનલ પર આયોજિત એક કાર્યક્રમમાં ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, સલમાન ખાન, સલીમ ખાન અને જાવેદ અખ્તર પહોંચ્યાં હતાં. એ દરમ્યાન સલમાનને ફિલ્મમેકર ફારાહ ખાન કુંદરે પૂછ્યું કે સલીમ-જાવેદની કઈ ફિલ્મની રીમેક બને એવી તારી ઇચ્છા છે? તો સલમાન કહે છે, હું ‘શોલે’ અને ‘દીવાર’ બનાવવા માગું છું. સાથે જ તેને પૂછવામાં આવ્યું કે જય અને વીરુમાંથી કયો રોલ કરવો તને પસંદ રહેશે? ત્યારે સલમાન કહે છે, ‘હું જય અને વીરુ બન્ને રોલ ભજવી શકું છું, ગબ્બરનો પણ રોલ કરી શકીશ.’