20 December, 2019 04:36 PM IST | Mumbai Desk
સલમાન ખાનની ફિલ્મ તેના ચાહકો માટે એક તહેવાર જેવી હોય છે અને તેની જાહેરાત સાથે જ સફળતાની ગેરેન્ટી પણ લઈને આવે છે. એક 'દબંગ' પોલીસ ઑફિસર તરીકે ચુલબુલ પાંડેનું પાત્ર લોકોના હૈયે ચોંટી ગયું છે. 'દબંગ 2'ની સફળતાએ આ વાતને વધુ મજબૂત કરી છે. હવે જ્યારે 'દબંગ 3' રિલીઝ થઈ ગઈ છે અને ફરી એકવાર સિનેમાધરોમાં સલમાનના ચાહકો નો અવાજ સાંભળવા મળશે.
'દબંગ 3'ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે, જે દક્ષિણ ભારતીય કલાકાર અને નિર્દેશક છે. સ્ટોરી અને દ્રશ્યો બાબતે દબંદ 3 પહેલી બન્ને ફિલ્મોની લાઇનમાં જ છે, પણ એક્શનમાં પ્રભુદેવાના નિર્દેશનની છાપ સ્પષ્ટ દેખાય છે. દબંગ સીરીઝ જે રીતના એક્શન, કૉમેડી અને સંગીત માટે ઓળખવામાં આવે છે, દબંગ 3માં તે બધા એલિમેન્ટ્સ પરોવવામાં આવ્યા છે. જો કે, આ વખતે સ્ટોરી પહેલી બન્ને ફિલ્મો કરતાં ખૂબ જ અલગ છે.
દબંગ 3માં ચુલબુલ પાંડેની બૅક સ્ટોરી બતાવવામાં આવી છે અને આ ભાગમાં ચુલબુલની પહેલી લવ સ્ટોરી પણ દર્શકો સામે ખુલે છે. અહીં એન્ટ્રી થાય છે ખુશી (સઇ માંજરેકર)ની, જે ચુલબુલનો પહેલો પ્રેમ છે. આ સ્ટોરીનો ખલનાયક બાલી છે, જે સાઉથ સિનેમાના જાણીતા કલાકાર સુદીપે ભજવ્યું છે. દબંગ 3ના આ ખલનાયક આ વખતે વધારે તાકાતવાન બનીને ચુલબુલ પાંડેની સામે આવ્યો છે.
ચુલબુલ પાંડે કવી રીતે બાલીનો સામનો કરશે, દબંગ 3ની સ્ટોરી તેના પર આધારિત છે. વૉન્ટડમાં સલમાન ખાનને નિર્દેશિત કરી ચૂકેલા પ્રભુદેવાએ દબંગ સીરીઝની ઓળખથી જુદા પડ્યા વિના આને સફળતાથી આગળ વધારી છે. દબંગ 3 ચુલબુલ પાંડે તરીકે સલમાન ખાનના પ્રભાવને વધારે ગહન બનાવે છે. ફિલ્મમાં પ્રભુદેવાએ તે બધાં જ મસાલાનો ઉપયોગ કર્યો છે, જે સલમાન ખાનના ચાહકોને ગમે છે અને જેની માટે તે સિનેમાઘરોમાં જવા આકર્ષાય છે.
કલાકારોના અભિનયની વાત કરીએ તો સઇ માંજરેકરનો ડેબ્યૂ એકદમ પરફેક્ટ રહ્યો. જાણીતાં એક્ટર અને નિર્દેશક મહેશ માંજરેકરની દીકરી સઈના અભિનયમાં વધુ સુધારો થવાની આશા છે. જણાવીએ કે દબંગમાં મહેશ માંજરેકરે સોનાક્ષી સિન્હાના પાત્ર રજ્જોના પિતાનું પાત્ર ભજવ્યું હતું, તો રજ્જો બનેલી સોનાક્ષી સિન્હા પોતાના પાત્રમાં ખૂબ જ સરસ લાગે છે. સોનાક્ષી દબંગ સીરીઝની ત્રણે ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.
ચુલબુલ પાંડેના પિત્રાઇ ભાઇના મક્ખી એટલે મક્ખન પાંડેના પાત્રમાં અરબાઝ ખાન પણ ફિટ દેખાય છે. અરબાઝ આ ફિલ્મનો નિર્માતા પણ છે. આ વખતે તેના પાત્રમાં કેટલાક નવા આયામો જોડાયા છે, જે અરબાઝની અભિનય ક્ષમતાને નીખારે છે. સાઉથના સુપરસ્ટાર સુદીપ ખલનાયક તરીકે પોતાની સશક્ત ઉપસ્થિતિ નોંધાવે છે. જો કે, તેની પાસેથી હિન્દી ડબિંગ કરાવતી વખતે થોડું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો પાત્ર માટે વધારે સારું રહ્યું હોત.
કુલ મળીને 'દબંગ 3' કમર્શિયલ ઝોનમાં સંપૂર્ણ મનોરંજન પીરસે છે. જો તમે સલમાન ખાનના ફેન છો તો તમને આ ફિલ્મ ખૂબ જ ગમશે. જો તમે સલમાનના ફેન નથી તો પણ 'દબંગ 3' તમને નિરાશ નહીં કરે.
આ પણ વાંચો : બર્થ-ડે, આ 10 ફોટોઝ દર્શાવે છે તૈમૂર છે બોલિવુડ સ્ટાર કિડ
કલાકાર- સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર, કિચ્ચા સુદીપ, અરબાઝ ખાન વગેરે...
નિર્દેશક - પ્રભુદેવા
નિર્માતા- અરબાઝ ખાન, સલમાન ખાન
વર્ડિક્ટ - ***1/2 (સાડા ત્રણ સ્ટાર)