07 February, 2023 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને સલમાન ખાન ઇન પઠાણ
સલમાન ખાનનું કહેવું છે કે તેને અને શાહરુખ ખાનને સ્ક્રીન પર એકસાથે લાવવા માટે એક સ્પેશ્યલ ફિલ્મની જરૂર પડે છે. યશરાજ ફિલ્મ્સની ‘પઠાન’માં તેમણે સાથે કામ કર્યું છે. તેઓ હવે ‘ટાઇગર 3’માં ફરી સાથે જોવા મળશે. ‘પઠાન’ને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. બહુ જલદી એ ‘કેજીએફ 2’નો રેકૉર્ડ પણ તોડી શકે છે. આ વિશે વાત કરતાં સલમાને કહ્યું કે ‘શાહરુખ અને મને સ્ક્રીન પર સાથે લાવવા માટે હંમેશાં એક સ્પેશ્યલ ફિલ્મની જરૂર પડી છે અને મને ખુશી છે કે એ ‘પઠાન’ છે.
અમે ‘કરન અર્જુન’ કરી હતી તો એ બ્લૉકબસ્ટર બની હતી અને હવે ‘પઠાન’ પણ બ્લૉકબસ્ટર બની ગઈ છે. મને ખબર છે કે દર્શકો અમને સ્ક્રીન પર સાથે જોવાનું પસંદ કરે છે અને મને ખુશી છે કે તેમણે ‘પઠાન’ને આટલો પ્રેમ આપ્યો. આદિએ જ્યારે અમને ફરી સ્ક્રીન પર લાવવા માટે આ સીક્વન્સ સંભળાવી હતી ત્યારે હું હેરાન થઈ ગયો હતો. આદિને હતું કે લોકો અમારી પાસે અને અમને સાથે જોવા માટે જે અપેક્ષાઓ લઈને બેઠા છે એ પૂરી કરવી જોઈએ. હું અને શાહરુખ રિયલ લાઇફમાં પણ કેટલા ક્લોઝ છીએ એ તેમણે સ્ક્રીન પર પણ દેખાડ્યું છે અને લોકોને એ જ પસંદ પડ્યું છે. સિદ્ધાર્થે આ દૃશ્યને ખૂબ જ સારી રીતે બનાવ્યું હતું. હું શાહરુખ અને યશરાજ ફિલ્મ્સ માટે ખુશ છું, કારણ કે આ ફિલ્મ રેકૉર્ડ બનાવી રહી છે. કોરોના બાદ અમે લોકોને ફરી સિનેમામાં ખેંચી લાવ્યા એ ખૂબ જ મોટી જીત છે.’
આ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું કે ‘સલમાન અને હું હંમેશાંથી સાથે કામ કરવા માગતા હતા, પરંતુ અમે યોગ્ય ફિલ્મ ને યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા હતા. અમને ખબર હતી કે અમને સાથે જોવા માટે લોકોમાં અલગ જ જોશ હશે અને અમે દર્શકોની એ અપેક્ષાને પૂરી કરવા માગતા હતા. અમને તેમને નિરાશ નહોતા કરવા માગતા હતા. આ ફૅન્સનો સવાલ હતો એથી અમે એને નાની સ્ક્રિપ્ટ પર નહોતા છોડી શકતા. આદિએ તેના સ્પાય યુનિવર્સમાં પઠાન અને ટાઇગરને સાથે લાવવાનો પ્લાન જણાવ્યો ત્યારે અમને ખબર હતી કે લોકો એને જોઈને ખુશ થઈ જશે. મને ખુશી છે કે લોકોએ ‘પઠાન’માં અમને પસંદ કર્યા. મને ખબર છે કે આ માટે દર્શકોએ પણ ખૂબ જ રાહ જોઈ છે, પરંતુ અમને ખુશી છે કે તેમને મજા આવે એવી ફિલ્મ લઈને અમે આવ્યા છીએ. ફિલ્મના સેટ પર પણ ભાઈ સાથે અમે ઘણી મજા કરી હતી. મેં તેના ટાઇગર સ્કાર્ફને એક યાદ તરીકે સાચવી રાખ્યો છે.’