31 March, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન અને કરણ જોહર વર્ષો બાદ ‘ધ બુલ’માં સાથે કામ કરવાના હતા, પરંતુ આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા છે. સલમાન સતત ફિલ્મને લઈને દખલગીરી કરી રહ્યો હોવાથી કરણે ફિલ્મ પડતી મૂકી છે. ૧૯૮૮ની ૩ નવેમ્બરે મૉલદીવ્ઝમાં આંતકવાદી હુમલો થયો હતો એ દરમ્યાન ભારતે એને મદદ કરી હતી. આ મિશન પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી હતી જેમાં સલમાન બ્રિગેડિયર ફારુક બલસારાનું પાત્ર ભજવવાનો હતો. આ સબ્જેક્ટ જ્યારે સલમાનને સંભળાવવામાં આવ્યો હતો ત્યારે તેણે તરત જ કરણને હા પાડી હતી. મૉલદીવ્ઝ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ આવતાં ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે ફિલ્મની પ્રોસેસના પહેલા દિવસથી તેમની વચ્ચે પ્રૉબ્લેમ શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સલમાન ફિલ્મના પાત્રમાં ખૂબ રસ લઈ રહ્યો હતો અને તે સતત ડિરેક્ટર અને કરણ જોહર તેમ જ ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને ફોન કરીને રિપોર્ટ માગતો હોવાની ચર્ચા છે. આ વાત વધુ આગળ વધે અને ઈગો ક્લૅશ થાય એ પહેલાં ફિલ્મને પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સલમાને કરણ પાસે ફિલ્મ માટે ખૂબ મોટી રકમની ડિમાન્ડ કરી છે. આ ડિમાન્ડ તેને વધુ પડતી લાગી રહી હોવાથી પણ તેણે એ ફિલ્મ પડતી મૂકવાનો નિર્ણય લીધો હોય એવી શક્યતા છે.