08 August, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન અને કરણ જોહર
બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. તેના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતાં હોય છે. સલમાન ખાનની ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન` એપ્રિલ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પણ દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે સલમાન ખાન `ટાઈગર` ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ `ટાઈગર 3`માં આવશે.
હાલ તો સલમાન તેની દિવાળી 2023ની ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાનની સામે કેટરિના કૈફ જોવા મળવાની છે. આ ફિલ્મ દિવાળીના સમયે રિલીઝ થવાની છે. સલમાન ખાનના ફેન્સ તેની આ ફિલ્મને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે.
આ સાથે જ સલમાન ખાનના ચાહકો માટે બીજા સારા સમાચાર સામે આવ્યા છે કે સલમાન ખાન ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) સાથે એક ફિલ્મ માટે હાથ મિલાવવાનો છે. આ રીતે જોતાં સલમાન ખાન અને કરણ જોહર 25 વર્ષ પછી ફરી સાથે આવી રહ્યા છે એમ કહી શકાય.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન અને કરણ જોહરે એક ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન વિષ્ણુ વર્ધન કરશે. સલમાન ખાન, કરણ જોહર અને વિષ્ણુ વર્ધન છેલ્લા 6 મહિનાથી એક એક્શન ફિલ્મ માટે ચર્ચામાં હતા. ટાઇગર 3 પછી આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે.
સલમાન ખાનની આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2023માં શરૂ થશે. આ શૂટિંગ 7થી 8 મહિના સુધી અલગ-અલગ શેડ્યૂલમાં પૂર્ણ કરવામાં આવશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ઓગસ્ટથી જ શરૂ થવા જઈ રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે સલમાન ખાનની ફિલ્મ 2024ના ક્રિસમસ તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
સલમાન ખાને આ પહેલા 1998માં કરણ જોહરની ફિલ્મ `કુછ કુછ હોતા હૈ`માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ (Kajol) અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો રોલ કર્યો હતો. આ રીતે જોતાં સલમાન ખાન અને કરણ જોહર આગામી ફિલ્મ દ્વારા 25 વર્ષ બાદ સાથે મળી રહ્યા છે.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં દર્શકોને કેટલાક નવા એક્શન સીન જોવા મળી શકે છે. આ એવા સીન હશે જે પહેલા ક્યારેય જોયા નહીં હોય. આ વાતને લઈને ફેન્સમાં આ ફિલ્મને લઈને વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મના નિર્માતાઓ ક્રિસમસ તહેવારને ધ્યાનમાં લઈ ક્રિસમસ 2024ના રોજ ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.