10 December, 2022 12:07 PM IST | Mumbai | Harsh Desai
`સલામ વેન્કી`નું પોસ્ટર
સલામ વેન્કી
કાસ્ટ : કાજોલ, વિશાલ જેઠવા, પ્રિયમણિ, પ્રકાશ રાજ, રાજીવ ખંડેલવાલ, આહના કુમરા
ડિરેક્ટર : રેવતી
રિવ્યુ : બે સ્ટાર (ઠીક-ઠીક)
કાજોલ અને વિશાલ જેઠવાની ‘સલામ વેન્કી’ ગઈ કાલે રિલીઝ થઈ છે. રેવતી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મમાં પ્રકાશ રાજ, પ્રિયમણિ, આહના કુમરા અને રાજીવ ખંડેલવાલ જેવા પણ ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી કે. વેન્કટેશ નામના રિયલ લાઇફ માણસની સ્ટોરી પરથી આધારિત છે. તેને ડુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી હોય છે. તે તેની લાઇફના દિવસો ગણી રહ્યો હોય છે. તે તેની લાઇફના છેલ્લા દિવસોને ખૂબ જ સારી રીતે માણી રહ્યો હોય છે, પરંતુ તે વધુ દુખી થવાની જગ્યાએ શાંતિપૂર્વકનું મૃત્યુ ઇચ્છતો હોય છે અને તેનાં ઑર્ગનને દાન કરીને અન્યને જીવનદાન આપવા માગતો હોય છે. વેન્કટેશ એટલે વેન્કીનું આ પાત્ર વિશાલ જેઠવાએ ભજવ્યું છે. તેની લાઇફમાં તેને દરેક પળમાં મદદ કરનારી તેની મમ્મી સુજાતાનું પાત્ર કાજોલે ભજવ્યું છે. કાજોલ તેના દીકરાની દરેક ઇચ્છા પૂરી કરવા માટે દિવસ-રાત એક કરતી હોય છે. ડૉક્ટરથી લઈને નર્સ સુધી દરેક તેને મદદ કરતાં જોવા મળે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
રેવતી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનો સ્ક્રીનપ્લે સમીર અરોરા દ્વારા લખવામાં આવ્યો છે. તેમ જ ઍડિશનલ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ કૌસર મુનીર દ્વારા લખવામાં આવ્યા છે. સલામ વેન્કીની રિયલ સ્ટોરી ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે, પરંતુ સ્ક્રીન પર એને સારી રીતે ટ્રાન્સલેટ નથી કરી શકાઈ. રેવતીની ઍક્ટિંગ ખૂબ જ કમાલની છે, પરંતુ તેની ડિરેક્ટર તરીકેની સ્કિલમાં હજી એ કમાલ નથી. કહેવાય છેને કે ડીટેલ્સ ઑલ્વેઝ મૅટર. એની જ અહીં ખોટ છે. સ્ટોરીમાં જે જગ્યાએ ડીટેલમાં જવાનું હતું એની જગ્યાએ ઇમોશનલ દૃશ્ય દ્વારા એને ત્યાં પડતું મૂકવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ ઇમોશનલ છે એ સાચી વાત, પરંતુ દરેક દૃશ્ય દ્વારા લોકોને રડાવવામાં આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું હોય એવું લાગે છે. તેમ જ જે વ્યક્તિ સારી છે એને એકદમ સારી દેખાડવામાં આવી છે અને જે ખરાબ છે એને એકદમ જ ખરાબ દેખાડવામાં આવી છે. ‘મુન્નાભાઈ’ની જેમ અહીં કોઈનું હૃદય પરિવર્તન નથી થતું. કેટલાંક દૃશ્ય ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યાં છે તેમ જ એ એટલાં જ સારી રીતે શૂટ પણ કરવામાં આવ્યાં છે. જોકે એવાં દૃશ્ય ખૂબ જ ઓછાં છે. સ્ટોરી પેપર પર ખૂબ જ સારી છે, પરંતુ સ્ક્રીન પર એને એટલી જ સારી બનાવવાની જરૂર હતી. પહેલા પાર્ટમાં ફક્ત સ્ટોરીને બિલ્ડ-અપ કરવામાં આવી છે અને કેટલાંક દૃશ્યો તો એવાં છે કે એને ઇન્ટરવલ સુધી ખેંચવા માટે દેખાડવામાં આવ્યાં હોય. ખરી ફિલ્મ તો ઇન્ટરવલ બાદ દરેક ઍક્ટરની એન્ટ્રી થયા બાદ શરૂ થાય છે.
પર્ફોર્મન્સ
કાજોલ કોઈ પણ પાત્ર, કોઈ પણ ઇમોશન, કોઈ પણ એક્સપ્રેશનને પોતાનું બનાવી શકે છે. એક બીમાર દીકરાની મમ્મી, ખરાબ રિલેશનશિપ હોય કે પછી પોતાના પહેલા દીકરાને મહત્ત્વ આપવાનું હોય, તે દરેક ઇમોશનને ખૂબ જ સારી રીતે રજૂ કરી શકી છે. જોકે તેના તેની દીકરી સાથેના સંબંધને વધુ એક્સપ્લોર કરવાની જરૂર હતી. વિશાલ જેઠવા ‘મર્દાની 2’ બાદ વેબ-સિરીઝ ‘હ્યુમન’માં જોવા મળ્યો હતો. બન્ને એકબીજાથી એકદમ અલગ પ્રોજેક્ટ હતા અને આ પણ એનાથી એકદમ અલગ છે. તે એકદમ અલગ રૂપમાં જોવા મળી રહ્યો છે અને તેણે બખૂબી કામ કર્યું છે. જોકે સ્ક્રિપ્ટે તેને રિસ્ટ્રિક્ટ કરી દીધો હતો. તેના પાત્રને એ રીતે લખવાની જરૂર હતી જેનાથી તે પોતાની આર્ટને વધુ સારી રીતે રજૂ કરી શકે. પ્રકાશ રાજ, રાજીવ ખંડેલવાલ અને આહના કુમરા અને પ્રિયમણિ પાસે થોડું-થોડું જ કામ છે. વકીલ, જજ, ડૉક્ટર અને અન્ય વ્યક્તિ વેન્કીની લાઇફમાં સપોર્ટ સિસ્ટમ તરીકે જ જોવા મળ્યા છે. આમિર ખાનની પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા છે, પરંતુ એ ફિલ્મ પર એટલી અસર નથી છોડતી.
મ્યુઝિક
ફિલ્મનું સંગીત મિથુને આપ્યું છે. જોકે તેના મ્યુઝિકનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે એના લીધે બૅકફાયર થયું છે. ફિલ્મની સ્ટોરી પહેલેથી જ ઇમોશનલ છે. દરેક દૃશ્યને એવી રીતે ડિરેક્ટ કરવામાં આવ્યું છે કે રડવું આવે અને એના પર ઇમોશનલ મ્યુઝિકનો ઓવરડોઝ. થોડા લાઇટ મ્યુઝિકની વધુ જરૂર હતી, જે દૃશ્યને કૉમ્પ્લીમેન્ટ કરતું હોય.
આખરી સલામ
કાજોલ અને વિશાલની ઍક્ટિંગ ખૂબ જ સારી છે, પરંતુ લૉકડાઉન બાદ જે રીતે લોકોને ઘરમાં બેસીને ફિલ્મ જોવાનો ચસકો લાગ્યો છે તો આ ફિલ્મ માટે પણ રાહ જોઈ લેવી.