24 August, 2023 08:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયરા બાનુ
સાયરા બાનુને દિલીપકુમારે પ્રપોઝ કરતાં તેમનું બાળપણનું સપનું પૂરું થયું હતું. આ વાત તેમણે સોશ્યલ મીડિયામાં જણાવી છે. દિલીપકુમાર સાથે જોડાયેલી અનેક જાણી-અજાણી વાતો તેઓ ફૅન્સ સાથે શૅર કરે છે. ગઈ કાલે સાયરા બાનુનો બર્થ-ડે હતો. પોતાના બર્થ-ડેનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો તેમણે શૅર કર્યો છે. એ ફોટોમાં સાયરા બાનુએ સાડી પહેરી છે. તેમની બાજુમાં દિલીપકુમાર અને દેવાનંદ ઊભા છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાયરા બાનુએ કૅપ્શન આપી હતી, ‘મારા માટે બર્થ-ડે હંમેશાં સ્પેશ્યલ રહેતો હતો. મારી મમ્મી પરી ચેહરા નસીમ બાનુજી મારા ફ્રેન્ડ્સ સાથે હું સારી રીતે સમય પસાર કરી શકું એ માટે દુનિયાના કોઈ પણ ખૂણે તેઓ જઈ શકે છે પછી હું મુંબઈ હોઉં કે પછી લંડનની સ્કૂલમાં હોઉં. સાથે જ લેયર્ડ કેક તો કુતુબ મિનારને શરમાવે એવી હોય છે. અમારો નાનકડો પરિવાર હતો જેમાં મારાં દાદી, મારાં ગ્રૅન્ડ આન્ટ, મારી મમ્મી અને મારો ડાર્લિંગ ભાઈ સુલતાન હતો. હું લંડનની સ્કૂલનો સ્ટડી પૂરો કરીને બૉમ્બે આવી હતી. ત્યારે મને ઇસ્ટમૅન કલરની ‘જંગલી’માં કામ કરવાની તક મળી હતી. એ વખતે બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મોનો દોર હતો. ત્યાર બાદ તો લાઇફમાં આનંદ અને ખુશીની શરૂઆત થઈ જ્યારે બર્થ-ડેઝમાં પ્રશંસા, ફ્લાવર્સ, ફ્રેન્ડ્સ અને ફૅન્સ તરફથી મેસેજિસ આવતા થયા અને ઘર આખું ફૂલોનું ગાર્ડન બની જતું હતું. ૧૯૬૬ની ૨૩ ઑગસ્ટની સાંજે અમારા પાલી હિલમાં આવેલા નવા મકાન માટે હાઉસ વૉર્મિંગ પાર્ટી રાખવામાં આવી હતી. અમે જાણી જોઈને દિલીપ સાહિબના ઘરની સામેનું મકાન લીધું હતું. તેઓ મદ્રાસમાં શૂટિંગ કરી રહ્યા હતા અને મારી મમ્મીના ઇન્વિટેશન પર મારો બર્થ-ડે અટેન્ડ કરવા માટે તેઓ પહોંચી ગયા હતા. મારા પર તો જાણે કે ગુડ લકની વર્ષા થતી હતી. એક પછી એક ચમત્કાર મારી સાથે થતા હતા. ઍક્ટિંગના બાદશાહ કે જેમના માટે આખું વિશ્વ સ્ટેજ હતું. મિસ્ટર દિલીપકુમાર કે તેઓ મને બાળપણથી ઓળખતા હતા અને મારી સાથે કામ કરવાની ના પાડતા હતા. જોકે મારા ઘરની આ હાઉસ વૉર્મિંગ પાર્ટીમાં મને જોયા બાદ તેમણે કહ્યું કે તું મોટી થઈને ખૂબ સુંદર બની ગઈ છે. થોડા દિવસો સુધી તેઓ દર એકાદ-બે દિવસ સુધી મદ્રાસથી બૉમ્બે ટ્રાવેલ કરતા હતા અને મારી સાથે ડિનર કરતા હતા. એવી જ એક સાંજે તેમણે મને સવાલ કર્યો કે ‘મારી સાથે લગ્ન કરીશ?’ એ વખતે મેં મારા બાળપણથી જોયેલા સપનાને પૂરું થતાં જોયું હતું. અમારા ખુશહાલ લગ્નજીવનની શરૂઆત થઈ હતી. એક પ્રશંસકથી શરૂ થઈને હું એક સમર્પિત વાઇફ બની ગઈ હતી. મને આ મહાન વ્યક્તિની લાઇફના વિવિધ ગુણો અને પાસાંઓ વિશે જાણવા મળ્યું. હું જેમને પણ મળી છું તેમના કરતાં તેઓ અનોખા હતા. તેઓ એક રૉયલ અને એલિગન્ટ વ્યક્તિ હતા.’