12 December, 2023 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર અને સાઈરા બાનુ
દિલીપકુમારની ગઈ કાલે બર્થ-ઍનિવર્સરી નિમિત્તે સાયરા બાનુ તેમને યાદ કરીને ભાવુક થઈ ઊઠ્યાં હતાં. દિલીપકુમારનો જન્મ ૧૯૨૨ની ૧૧ ડિસેમ્બરે થયો હતો. ૨૦૨૧ની ૭ જુલાઈએ તેમનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. સાયરા બાનુ આજીવન તેમની પડખે ઊભાં રહ્યાં હતાં અને તેમની ખૂબ કાળજી લેતાં હતાં. દિલીપકુમારને યાદ કરતાં તેઓ તેમના ફોટો શૅર કરતાં રહે છે. ગઈ કાલે બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમની સાથેનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાયરા બાનુએ કૅપ્શન આપી હતી, ‘ફરી એક વખત ૧૧ ડિસેમ્બર આવી ગઈ છે. આ એ જ તારીખ છે જ્યારે તમારી સાથે ખુલ્લા આકાશની નીચે બેસીને આપણે એક ખુશનુમા સમય પસાર કરતા હતા. સફેદ વાદળોની જેમ આપણાં સપનાં હતાં, જે ખુશી અને ઉત્સાહની સાથે આકાશમાં નાચતાં પ્રતીત થતું હતું. આખું મકાન ફૂલોથી ભરાઈ જતું હતું. એવું લાગતું હતું આપણે ‘ઇડન ગાર્ડન’માં પ્રવેશ કર્યો હોય. તમારી સાથે લગ્ન કરવા બાળપણના સપનાને જીવવા જેવો એહસાસ છે. તમે અદ્ભુત પતિ સાબિત થયા જેની પાસે હું કાંઈ પણ માગી શકતી હતી. મને યાદ છે કે સાહબ હંમેશાં મને નાની-નાની નોટ્સ લખતા હતા અને તેમના પ્રેમના ઇશારાનો જવાબ હું પણ નોટ્સથી આપતી હતી. હવે કલ્પના કરો કે તમે ઊંડી નીંદરમાંથી જાગ્યા હો અને એક નોટ મળે, જેમાં લખ્યું હોય કે ‘સાયરા, હું ૪૫ મિનિટમાં પાછો આવીશ. લવ યુસુફ.’ મેં હંમેશાં તેમના પ્રતિ એક સમર્પિત પત્ની બનવાનો પ્રયાસ કર્યો અને મને તેમના પ્રેમાળ સ્વભાવમાં ખુશી મળી છે, જેમણે મારા જીવનને હંમેશાં ખુશીઓથી ભરી દીધું છે. જન્મદિન મુબારક હો યુસુફ.’