સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, અભિનેતા હૉસ્પિટલમાં; ત્રણ શંકાસ્પદની ધરપકડ

16 January, 2025 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saif Ali Khan Injured: ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સે અભિનેતા પર ચાકુથી કર્યો વાર; લીલાવતી હૉસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી થઈ, અભિનેતાની ટીમે આપ્યું નિવેદન

સૈફ અલી ખાનની ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી) અને બાંદ્રામાં જ્યાં તેનું ઘર આવેલું છે તે બિલ્ડિંગ (તસવીર સૌજન્યઃ અનુરાગ અહિર)

બોલિવૂડ (Bollywood) અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યારે તે તેના પરિવાર સાથે ઘરમાં શાંતિથી સૂઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરી વડે હુમલો કર્યો. આ મામલો ચોરીનો હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ, બાંદ્રા પોલીસ (Bandra Police) હાલમાં તપાસ કરી રહી છે. હુમલા બાદ સૈફ અલી ખાનને મુંબઈ (Mumbai)ની બાંદ્રા (Bandra) સ્થિત લીલાવતી હૉસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ કરવામાં આવ્યો છે.

બુધવારે મધરાતે બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો અને ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે તેના પર છરીથી હુમલો (Saif Ali Khan Injured) કર્યો. હુમલા દરમિયાન, તેના ગળા અને હાથમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા. જેમાં તે ઘાયલ થયો છે. હુમલા બાદ, અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખતરામાંથી બહાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

સૈફ અલી ખાન પર આ હુમલો ગુરુવારે રાત્રે લગભગ બે-અઢી વાગ્યે થયો હતો. એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો અને અભિનેતા પર છરી વડે હુમલો કર્યો. છરીના હુમલાને કારણે અભિનેતાને ઘણી ઇજાઓ થઈ હતી. સૈફ અલી ખાનને કરોડરજ્જુ પાસે ઈજા થઈ છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાન હાલમાં સારવાર હેઠળ છે અને ખતરાની બહાર છે.

આ કેસમાં બાંદ્રા પોલીસનું કહેવું છે કે હુમલાખોર ઘટના બાદ તરત જ ભાગી ગયો હતો. હાલમાં, બાંદ્રા પોલીસે તે ચોરને પકડવા માટે પોતાની ટીમ બનાવી છે અને તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે. કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને તેના બાળકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. પોલીસ ઘર અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે જ્યારે ચોરો ઘરમાં ઘૂસ્યા ત્યારે સૈફ તેના પરિવાર સાથે સૂતો હતો.

શું છે આખી ઘટના?

બધુવારે મધરાતે લગભગ ૨.૩૯ વાગ્યાની આસપાસ બાંદ્રા વેસ્ટમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે મોટી ચોરી થઈ. આ દરમિયાન, જ્યારે સૈફ અલી ખાને ચોરને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ પર હુમલો કર્યો. આમાં તેને ઈજા થઈ. હાલમાં, તેની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને ઘરમાં કામ કરતા એક સ્ટાફે જોયો હતો. જ્યારે ચોરે તેને ધક્કો માર્યો ત્યારે સૈફ જાગી ગયો. તે તરત જ આવ્યો અને ચોરનો સામનો કર્યો. આ દરમિયાન, સૈફને પોતાના પર કાબુ મેળવતો જોઈને ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો. સૈફ ઘાયલ થતાં જ ચોર ત્યાંથી ભાગી ગયો.

ત્યારબાદ ૩.૩૦ વાગ્યાની આસપાસ સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે, અભિનેતાને છ જગ્યાએ ઈજા થઈ છે. કરોડરજ્જુની નજીક એક ઈજા થઈ. ગરદન પાસે પણ ઈજા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે, હાલમાં પોલીસ ઘરમાંથી સ્ટાફની પૂછપરછ કરી રહી છે. સાથે જ ચોરોની ઓળખ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

ડીસીપીએ પુષ્ટિ આપી કે, એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી. લડાઈ દરમિયાન અભિનેતા ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી છે. મુંબઈના જોઈન્ટ સીપી લો એન્ડ ઓર્ડરે ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ઘટના બાદ સૈફને સારવાર માટે લીલાવતી લઈ જવામાં આવ્યો હતો. બાંદ્રા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

એટલું જ નહીં, સૈફ અલી ખાનની ટીમ તરફથી એક સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં તેમની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે, અમે તમને પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.

saif ali khan kareena kapoor bandra mumbai police lilavati hospital entertainment news bollywood bollywood news