સૈફને સધિયારો આપવામાં શત્રુઘન સિન્હાએ કર્યો ગોટાળો, પછી પોતાની ભૂલ સુધારી લીધી

20 January, 2025 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક AI જનરેટેડ ફોટોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર હૉસ્પિટલમાં સાથે જોવા મળે છે એ ફોટો શત્રુઘન સિન્હાએ તેમના ટ્વિટર પોસ્ટ પર શૅર કર્યો હતો.

તસવીર સૌજન્ય : એ.આઈ

સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો આંચકો આખા બૉલીવુડને લાગ્યો છે. આ સંજોગોમાં અભિનેતા અને રાજકારણી શત્રુઘન સિન્હાએ સૈફને સપોર્ટ આપવા માટે એક ટ્વીટ કર્યું હતું અને સાથે સૈફ-કરીનાની તસવીર પોસ્ટ કરી હતી. શત્રુઘન સિન્હાથી મોટી ભૂલ એ થઈ કે તેમણે પોસ્ટ કરેલી તસવીર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરેલી હતી અને તેમણે જ્યારે આ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી ત્યારે તેમને ટ્રોલ કરવામાં આવ્યા અને આખરે તેમણે એ ફોટો ડિલીટ કરી નાખ્યો.

હકીકતમાં હૉસ્પિટલમાં દાખલ થયા બાદ હજી સુધી સૈફ અલી ખાનનો એક પણ ફોટો જાહેર થયો નથી, પરંતુ હાલમાં AIની મદદથી જનરેટ કરાયેલી ઘણી તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ AI જનરેટેડ ફોટોમાં શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન અને કરીના કપૂર સુધીના દરેક સૈફ અલી ખાનને મળતાં જોવા મળે છે. આમાંથી એક AI જનરેટેડ ફોટોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર હૉસ્પિટલમાં સાથે જોવા મળે છે એ ફોટો શત્રુઘન સિન્હાએ તેમના ટ્વિટર પોસ્ટ પર શૅર કર્યો હતો.

શત્રુઘન સિન્હાએ આ ટ્વીટમાં લખ્યું હતું, ‘સૈફ અલી ખાન સાથે બનેલી આ ઘટના ખૂબ દુખદ છે. આ હુમલામાં તેને બહુ ગંભીર ઈજા પહોંચી છે, પણ ભગવાનની કૃપાથી તે બહુ ઝડપથી સાજો થઈ રહ્યો છે. મારા ફેવરિટ શો-મૅન રાજ કપૂરની પૌત્રી કરીના કપૂર અને પરિવારને મારી શુભેચ્છા. મારી નમ્ર વિનંતી છે કે આ મામલે એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ. પોલીસ પોતાનું કામ સારી રીતે કરી રહી છે. આપણે આપણા મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર સરકારને તેમના પ્રયાસ બદલ બિરદાવવા જોઈએ. આ મામલાને વધારે ગૂંચવવો ન જોઈએ. એનો ઉકેલ બહુ ઝડપથી આવી જશે. સૈફ પદ્‍મશ્રી અને નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલો પ્રતિભાશાળી ઍક્ટર છે. તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને કાયદો એનું કામ કરશે. ઝડપથી સાજા થવાની શુભેચ્છા.’

saif ali khan kareena kapoor shatrughan sinha viral videos twitter ai artificial intelligence bollywood news bollywood entertainment news