16 November, 2023 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા ચક્રવર્તીને ફિલ્મોમાં કામ ખૂબ ઓછું મળે છે. રિયાનું કહેવું છે કે લોકોમાં હજી પણ ડર છે. ૨૦૨૦માં સુશાંત તેના ફ્લૅટમાં મૃત મળી આવ્યો હતો. એ કેસ આજે પણ વણઉકેલ્યો છે. ડ્રગ્સ કેસમાં નામ આવતાં એ વખતે રિયાને ૨૮ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. ફિલ્મોની તકો ઓછી મળે છે એ વિશે રિયાએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે લોકોમાં હજી પણ એ બાબતને લઈને ભય છે. આશા છે કે આ વસ્તુ પણ એક દિવસ થાળે પડી જશે. અનેક બાબતો હવે શાંત થઈ ગઈ છે. ટ્રોલ્સ પણ શાંત થઈ ગયા છે. ત્રણ વર્ષ બાદ મને એવું લાગે છે કે આ વર્ષ મારા માટે સામાન્ય છે. સામાન્ય થવું ખૂબ અગત્યનું છે. મને એ વાતની ખુશી છે કે હું એ સ્થિતિમાંથી બહાર આવી છું અને રોજબરોજનાં કામો કરું છું. શરૂઆતના થોડા મહિનાઓ તો મારા પર તોફાન આવ્યું હતું. તમને જે તકલીફ મળી છે એ તો તમારી સાથે રહેશે. તમારું જીવન એની આસપાસ આગળ વધશે. થેરપીમાં મને એહસાસ થયો કે એ બધી બાબતોને તમારી લાઇફ પર હાવી ન થવા દેવી જોઈએ.’