07 February, 2023 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
રવીના ટંડનનું કહેવું છે કે તેણે તેની ફિલ્મોમાં કદી પણ સ્વિમિંગ કૉસ્ચ્યુમ નથી પહેર્યો અને ન તો તે કદી કિસિંગ સીન્સ કરવા માટે મંજૂર થઈ છે. એથી તેને ઘમંડી કહેવામાં આવતી હતી. રવીનાએ ૧૯૯૧માં આવેલી ‘પથ્થર કે ફૂલ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેને ઘણા અવૉર્ડ્સ પણ મળ્યા હતા. તાજેતરમાં જ તેને પદ્મશ્રીથી નવાજવામાં આવી છે. ફિલ્મોના સીન વિશે રવીના ટંડને કહ્યું કે ‘મને ઘણીબધી વસ્તુઓ અનકમ્ફર્ટેબલ લાગતી હતી. ઉદાહરણ તરીકે ડાન્સ સ્ટેપ્સ. જો મને કોઈ વસ્તુ સહજ ન લાગે તો હું સ્પષ્ટ કહી દેતી કે હું આ ડાન્સ સ્ટેપ્સથી કમ્ફર્ટેબલ નથી. હું એ સ્ટેપ્સ નહીં કરું. હું સ્વિમિંગ કૉસ્ચ્યુમ નહોતી પહેરવા માગતી અને કિસિંગ સીન્સ પણ નહોતી કરવા માગતી. એ બધા મારા નિયમો હતા. હું એકમાત્ર એવી ઍક્ટ્રેસ હતી કે જેના રેપ સીન્સમાં તેનો ડ્રેસ ક્યાંયથી પણ ફાટેલો નહોતો. મારો ડ્રેસ આખો જ રહેતો હતો. મારો ડ્રેસ ફાટશે નહીં, તમને રેપ સીન કરવો હોય તો કરી લો. એથી તેઓ મને ઘમંડી કહેતા હતા.’
આવા સીન્સને કારણે ફિલ્મો છોડી હોવાનું જણાવતાં રવીનાએ કહ્યું કે ‘‘ડર’ સૌથી પહેલાં મને ઑફર કરવામાં આવી હતી. જોકે એ વલ્ગર નહોતી. હું સ્વિમિંગ કૉસ્ચ્યુમ નહોતી પહેરતી. મેં કહ્યું કે હું સ્વિમિંગ કૉસ્ચ્યુમ નહીં પહેરું. બાદમાં કરિશ્મા કપૂરની પહેલી ફિલ્મ ‘પ્રેમ કૈદી’ પણ મને પહેલાં ઑફર કરવામાં આવી હતી. જોકે એમાં પણ એક સીન એવો હતો જેમાં હીરો હિરોઇનની ઝિપ ખોલે છે અને સ્ટ્રિપ દેખાય છે. હું એનાથી અનકમ્ફર્ટેબલ હતી.’