30 November, 2022 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિના ટંડનની ફાઇલ તસવીર
અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) હમણા વિવાદોથી ઘેરાઈ ગઈ છે. તેનું કારણ છે મધ્યપ્રદેશના સાપુતારા ટાઇગર રિઝર્વ (Saputara Tiger Reserve)માં સફારીનો તેનો વીડિયો. સોશ્યલ મિડિયા પર વીડિયો પોસ્ટ કરીને અભિનેત્રીએ મુસિબતોને આમંત્રણ આપ્યું છે. સફારી દરમિયાન તેની જીપ વાઘની ખૂબ નજીક જતા તે તસવીરો લેતી ઝડપાઇ છે. આ મામલે જ હોબાળો મચી ગયો છે. જોકે રવિનાનું કહેવું છે કે, વન વિભાગની જીપમાં હતી અને જીપ ટ્રેક પર હતી. આમાં વાઘની નજીક જવાનો સવાલ જ નથી.
રવિના ટંડન સતપુરા ટાઇગર રિઝર્વના ચુર્ના જંગલમાં ફરવા ગઈ હતી જ્યાં તેણે વાઘના ઘણા વીડિયો લીધા અને તેમાંથી કેટલાક સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા. આ વીડિયોમાં જંગલ સફારી દરમિયાન તેની જીપ વાઘની એકદમ નજીક પહોંચી ગઈ હતી અને વાઘ ગર્જના કરતો હતો. નિયમ મુજબ, સફારી દરમિયાન વન્યજીવોને યોગ્ય અંતરથી જોઈ શકાય છે અને તે સિવાય એક જગ્યાએ વાહનો પાર્ક કરીને તેમની પ્રશંસા કરી શકાય છે, પરંતુ રવિનાએ વાઘના ખૂબ નજીકથી ફોટો વીડિયો શૂટ કર્યા હતા. જેને કારણે તે વિવાદમાં ફસાઈ છે. વીડિયોમાં કેમેરા શોટ્સનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં બે-ત્રણ વાઘ જોવા મળે છે.આ વીડિયો સામે આવ્યા બાદ ફોરેસ્ટ રિઝર્વ ઓથોરિટીએ વાંધો ઉઠાવ્યો છે. ટાઇગર રિઝર્વ મેનેજમેન્ટે જિપ ડ્રાઈવર અને ફરજ પરના અધિકારીઓને નોટિસ મોકલી છે. આ અંગે તેમની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો – સલમાન ખાને કરી લીધી સગાઈ? આંગળીમાં વીંટી જોઈ ફૅન્સ થયા ઉત્સુક
ટાઇગર રિઝર્વ સફારીના ડેપ્યુટી ડાયરેક્ટર સંદીપ ફૈઝોલે જણાવ્યું છે કે, રવિના ટંડન પોતાની અંગત મુલાકાત માટે ત્યાં આવી હતી. સાતપુરા ટાઇગર રિઝર્વમાં તેમના દ્વારા શૂટ કરાયેલા વાઘના વીડિયો અને ફોટોગ્રાફ્સના સંદર્ભમાં માર્ગદર્શકો, અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જ્યારે આ વાતો સામે આવી અને અભિનેત્રી વિવાદોમાં ફસાવવા લાગી ત્યારે રવિનાએ સોશ્યલ મીડિયા પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. સાથે જ રવીનાએ આ મામલે પોતાનો ખુલાસો પણ રજૂ કર્યો છે.
રવીનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘ડેપ્યુટી રેન્જરની બાઇક પાસે વાઘ આવે છે. વાઘ ક્યારે અને કેવી પ્રતિક્રિયા આપશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. તે વન વિભાગનું લાયસન્સ પ્રાપ્ત વાહન છે અને તેમના ગાઈડ અને ડ્રાઈવરો તેમની મર્યાદા અને કાયદા શું છે તે જાણે છે.’
બીજા ટ્વિટમાં રવિનાએ લખ્યું છે કે, ‘વાઘ રાજા છે, તેઓ જ્યાં ઇચ્છે ત્યાં ફરે છે. આપણે માત્ર મૂંગા દર્શક છીએ. અચાનક હલનચલન તેમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.’
ત્રીજા ટ્વિટમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘સદનસીબે, અમે કોઈ પગલાં લીધાં નથી, બસ ચૂપચાપ વાઘને જોતા રહ્યાં. અમે પ્રવાસી જેવા જ માર્ગ પર હતા, જે ઘણીવાર વાઘ દ્વારા ઓળંગવામાં આવે છે. વાઘણ `KT` ને પણ વાહનો પાસે આવવાની અને ભસવાની આદત છે.’
એક વીડિયોના કારણે રવિના ટંડનની મુશ્કેલીઓ વધી ગઈ છે.