10 February, 2023 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
રવીના ટંડને જણાવ્યું છે કે કરણ જોહરે તેને હજી સુધી માફ નથી કરી. એનું કારણ છે કે કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાની રવીનાએ ના પાડી દીધી હતી, કારણ કે રવીનાને આ ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ નહોતો ભજવવો. બાદમાં આ રોલ રાની મુખરજીને મળ્યો હતો. આ ફિલ્મે રાનીની કરીઅરને નવી દિશા આપી હતી. આ રોલ ન કરવાનું ખરું કારણ જણાવતાં રવીના ટંડને કહ્યું કે ‘કરણે આજ દિન સુધી મને ‘કુછ કુછ હોતા હૈ’માં કામ ન કરવા માટે માફ નથી કરી. એ સમયે કરણ સમજી ન શક્યો. કાજોલ મારી કન્ટેમ્પરરી હતી. અમે કરીઅરની શરૂઆત સાથે કરી હતી. અમે બન્ને લીડ રોલ્સ કરી રહ્યાં હતાં. એથી ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાની મેં ના પાડી હતી, કેમ કે એમાં મારો રોલ રાની જેટલો જ નાનકડો હતો. જોકે રાનીને આ ફિલ્મથી ફાયદો થયો, કેમ કે તે નવી હતી. આ જ ફરક હતો. એ વસ્તુ મેં કરણને કહી હતી.’
બીજી તરફ એ સમયને યાદ કરતાં કરણ જોહરે કહ્યું કે ‘મેં દરેકને એ રોલ વિશે પૂછ્યું હતું. એ ફિલ્મમાં તો હું ભિખારી બની ગયો હતો. આઠ હિરોઇને એ ફિલ્મ રાની મુખરજીના રોલ માટે રિજેક્ટ કરી હતી. મને એવું લાગ્યું કે જો કોઈ ન મળ્યું તો મારે જ શૉર્ટ સ્કર્ટ પહેરીને એ રોલ કરવો પડશે.’