19 June, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રત્નાપાઠક અને નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહે જણાવ્યું કે તેઓ ડ્રગ-ઍડિક્ટ હોવાથી રત્ના પાઠક શાહના પેરન્ટ્સ તેમનાં લગ્ન માટે રાજી નહોતા. સાથે જ નસીરુદ્દીન શાહ અગાઉ પરણેલા પણ હતા. તેમને હીબા શાહ નામની દીકરી પણ હતી. જોકે બાદમાં એ બન્નેએ ૧૯૮૨ની બીજી એપ્રિલે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ તેમને ઇમાદ શાહ અને વિવાન શાહ નામના બે દીકરા છે. એ અગાઉ ૭ વર્ષ સુધી તેઓ એકમેકને ડેટ કરતાં હતાં. લગ્ન વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘અમે સાથે નહોતાં રહેતાં. લગ્ન પહેલાં અમે સાત વર્ષ સુધી એકમેકને ડેટ કરતાં હતાં. તેના પેરન્ટ્સ અમારાં લગ્નની વિરુદ્ધ હતાં, કેમ કે હું ડ્રગ-ઍડિક્ટ હતો અને અગાઉથી પરણેલો પણ હતો અને એ સાથે જ હું ગુસ્સાવાળો પણ હતો. જોકે રત્નાએ એ તરફ ધ્યાન નહોતું આપ્યું.’ રત્નાને પહેલી વખત જોઈ એ વખતની ફીલિંગ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘મેં જ્યારે રત્નાને જોઈ ત્યારે જ હું તેના પર મોહિત થઈ ગયો હતો. તે સત્યદેવ દુબેના પ્લેમાં કામ કરી રહી હતી અને હું એક ફિલ્મ કરતો હતો. તેને પહેલી વખત જોતાં જ મને લાગ્યું કે હું તેને ઓળખું છું. અમે બન્ને સુખ-દુ:ખમાં એકમેક સાથે ઊભાં રહ્યાં છીએ. ખરું કહું તો તે મારા પડખે ઊભી રહી છે, મારા દરેક સારા-નરસા સમયમાં.’