પંકજ ઉધાસમાં રાજકોટ સતત ધબકતું હતું

27 February, 2024 06:33 AM IST  |  Mumbai | Rashmin Shah

પોતાનું નાનપણ રાજકોટમાં વિતાવનાર પંકજ ઉધાસને જો સમય મળે તો તેઓ રાજકોટ ચક્કર મારી આવે અને જો કોઈ રાજકોટવાસી સાથે વાત કરવા મળે તો અચૂક તેઓ તમામ એરિયાની વાત કરી લે, જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું

પંકજ ઉદહાસ

‘અરે, મને તો બહુ ગમશે... ગુજરાતી લખવાની મજા પણ આવશે. કેટલાં વર્ષે એ બધી વાતો ફરીથી યાદ કરી શકાશે જે વાતો હવે ભુલાઈ ગઈ છે.’ ૨૦૧૭ની ૧૭ સપ્ટેમ્બરની સાંજે ગઝલસમ્રાટ પંકજ ઉધાસે ગુજરાતી ‘મિડ-ડે’માં કૉલમ લખવાની ઉત્સાહ સાથે હા પાડી. પંકજભાઈ પાસે કૉલમ લખાવવી જોઈએ એવું સજેશન થિયેટ્રિક્સ ઍડ્વર્ટાઇઝિંગના માલિક દીપક સોમૈયાએ આપ્યું અને તેમણે જ પંકજભાઈ સાથે પ્રારંભિક વાત પણ કરી લીધી. પંકજભાઈ સાથે વાત થઈ ત્યારે પંકજભાઈએ પણ કહ્યું, ‘યુઝ્‍વલી, દીપક મને એવું જ સજેસ્ટ કરે જેમાં મને મજા આવવાની હોય. હું તો એને થૅન્ક્સ કહી દઈશ, તમે પણ કહી દેજો કે તેમણે આપણને ભેગા કર્યા.’ એ પછી ૨પ સપ્ટેમ્બરે સીધી જ ‘મિડ-ડે’ને ઈ-મેઇલ મળે છે અને એ ઈ-મેઇલની પાછળ તરત ફોન આવે છે, ‘મેં મારો પહેલો આર્ટિકલ મોકલી દીધો છે, જોઈને કહેશો, કેવો લખાયો છે.’

પદ્‍મશ્રી પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે હયાત નથી, પણ તેમની આ અને આવી અનેક વાતો આપણી વચ્ચે હયાત રહેવાની છે તો પંકજભાઈનો સ્વર સદાય આપણા કાનમાં ગુંજતો રહેવાનો છે. ‘મિડ-ડે’ સાથે તેમનું અસોસિએશન ત્રણથી પણ વધારે વર્ષ ચાલ્યું અને ૨૦૨૧‍ના આરંભમાં તેમણે કૉલમમાંથી બ્રેક લીધો ત્યારે લખ્યું પણ ખરું કે કેટલાંક અગત્યનાં કામ પર ધ્યાન આપવાનું હોવાથી હું અત્યારે થોડા સમય માટે બ્રેક લઉં છું, પણ નજીકના ભવિષ્યમાં ફરીથી મારી આ રાઇટિંગ ઍક્ટિવિટી ચાલુ કરું ત્યારે અપેક્ષા રાખું છું કે એ ‘મિડ-ડે’ના પેજથી જ શરૂ થાય.
‘દિલ સે દિલ તક’ કૉલમમાંથી બ્રેક લીધા પછી પણ પંકજભાઈ સાથે નિયમિત વાતો થતી રહેતી. ગુલઝાર સાથે આલબમ કર્યા પછી તેઓ એટલી હદે ઉત્સાહી હતા જેની કોઈ કલ્પના પણ ન થઈ શકે. ગુલઝાર તેમના સૌથી પસંદીદા લિરિસિસ્ટ હતા, તો ગુજરાતમાં પંકજ ઉધાસને શેખાદમ આબુવાલા અનહદ પ્રિય હતા. શેખાદમ આબુવાલાએ લખેલી કેટલીક હિન્દી રચનાઓ તેમણે સ્વરબદ્ધ પણ કરી હતી.

રાજકોટની વાત નીકળે એટલે પંકજભાઈ એકદમ ઉત્સાહમાં આવી જાય. રાજકોટની વાતો તેમણે પોતાની કૉલમમાં પણ પુષ્કળ વખત લખી હતી. એ વાતો લખ્યા પછી તેઓ અડધો કલાક એ વિષય પર વાત પણ કરે. નાનપણમાં રાજકોટમાં કેવી રીતે પતંગનો દોરો પહેલી વાર જાતે બનાવ્યો એની વાતો કરે તો પતંગ ઉડાડવામાં પોતાની માસ્ટરી જોઈને દીકરીઓ રેવા અને નાયાબ કેવી અભિભૂત થઈને પપ્પા સામે જોયા કરે એની વાતો પણ તેઓ હોંશભેર કરે. રાજકોટમાં મળતી ચિક્કી અને બરફગોળાથી લઈને રાજકોટના સદર બજાર, જાગનાથ મંદિર, ભક્તિનગર સોસાયટી, રાષ્ટ્રીય શાળા જેવા એ એકેક એરિયા જ્યાં તેઓ નાનપણમાં ફર્યા હતા એની વાતો પણ તેમના મોઢે હંમેશાં રહેતી. પંકજભાઈની એ વાતો સાંભળીને તમને સ્પષ્ટ રીતે દેખાય કે ઇન્ટરનૅશનલ ખ્યાતિ મેળવ્યા પછી પણ તેમણે પોતાનામાં રાજકોટ હજી ધબકતું રાખ્યું છે અને એ જ કારણે તેમનામાં સૌમ્યતા પણ અકબંધ રહી હતી.
પંકજભાઈ ક્યારેય કોઈ પર ગુસ્સે થયા હોય એવું એક પણ વ્યક્તિને યાદ નથી. અરે, તેમની દીકરીઓને પણ યાદ નથી કે પપ્પા છેલ્લે ક્યારે ગુસ્સે થયા હતા. પંકજભાઈ કહેતા, ‘ગુસ્સો કરવા માટે તમારે શબ્દોમાં કડવાશ આવવી જોઈએ એવું ક્યાં કોઈ કહે છે, ભગવાને આટલી સરસ સ્વરપેટી આપી છે, એનો ટોન ચેન્જ કરો ત્યાં જ સામેની વ્યક્તિને ખબર પડી જવી જોઈએ કે તમને નથી ગમ્યું.’

પંકજ ઉધાસ દેશના એકમાત્ર એવા ગઝલસિંગર છે જેમનાં સૌથી વધારે પાઇરસી થયેલાં આલબમ બન્યાં હશે. હા, આ સત્ય છે. અલગ-અલગ અનેક કંપનીઓ સાથે તેમણે અઢળક ગઝલ આલબમ આપ્યાં, જેમાંથી સિલેક્ટિવ ગઝલો એકત્રિત કરીને પાઇરસી કરનારાઓ સાવ નવું જ આલબમ બનાવતા અને એને નોખું જ ટાઇટલ આપી દેતા. પંકજભાઈ કહેતા, ‘આ રીતે પાઇરસી થઈ એ બધાં આલબમનું નામ શરાબ પરથી જ રાખવામાં આવતું એ એક જ વાતની મને તકલીફ હતી, બીજી કોઈ તકલીફ નહીં. જેને ખબર ન પડતી એ બધા તો એવું જ માનતા કે હું મારી જાતે એ આલબમના નામ ‘શાકી’, ‘મયખાના’, ‘પ્યાસા’, ‘નશા’ એવાં આપું છું.’
આવું શું કામ બન્યું એનું કારણ પણ જાણવા જેવું છે.

હૂયી મહેંગી બહોત હી શરાબ કે થોડી થોડી પિયા કરો... ગઝલ એટલી હદે પૉપ્યુલર થઈ કે જેને ગઝલમાં પણ ઇન્ટરેસ્ટ નહોતો તે પણ ગઝલ સાંભળતો થઈ ગયો. આ ગઝલને કારણે એક ચોક્કસ વર્ગ એવું માનતો થઈ ગયો કે પંકજભાઈ દારૂ પર ગઝલ ગાવાના માસ્ટર છે અને તેમની એ માન્યતાને પેલા પાઇરસીવાળાઓેએ સજ્જડ પકડી લીધી. મજાની વાત તો હવે આવે છે. આઠેક દિવસ પહેલાં હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા એ પહેલાં ‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો કે ૮૦ના દસકામાં પાઇરસી કરનારા એ કોઈ વ્યક્તિ પર તેમણે ક્યારેય કૉપીરાઇટનો કોઈ કેસ કર્યો નહીં અને એનું કારણ ગઝલની પૉપ્યુલરિટી હતી. પંકજભાઈએ કહ્યું હતું કે નાનો માણસ મોંઘી કૅસેટ લઈ નથી શકતો. તે આવી પાઇરસીવાળી કે સસ્તી મળતી ડુપ્લિકેટ કૅસેટ ખરીદીને પણ ગઝલ સાંભળતો હોય તો મારે શું કામ તેમને રોકીને ગઝલને નુકસાન પહોંચાડવું જોઈએ.



૨૦૨૧માં પંકજ ઉધાસે ગઝલના ક્ષેત્રમાં ૪૦ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમણે ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો અને એના હારબંધ શો શરૂ થઈ ગયા, જે ગયા વર્ષ સુધી એકધારા ચાલ્યા, પણ ગયા મે-જૂનમાં અચાનક તેમની તબિયત બગડતાં પંકજભાઈના ત્રણ શો કૅન્સલ કરવા પડ્યા. ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી અને એ પછી તબિયત પર્ફેક્ટ થઈ જતાં પંકજભાઈએ ફરીથી શો પણ શરૂ કરી દીધા હતા. હજી હમણાં જ ઑક્ટોબર-નવેમ્બરમાં તેમણે દિલ્હી, હૈદરાબાદ જેવાં શહેરોમાં શો પણ કર્યા. બધું રાબેતા મુજબ ચાલતું હતું, પણ શરીરમાં રહેલા કૅન્સરે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું, જેની કોઈને જાણ નહોતી. ગયા વીકમાં અચાનક બ્રીધિંગ પ્રૉબ્લેમ શરૂ થતાં પંકજભાઈને તાત્કાલિક બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા અને ટ્રીટમેન્ટ શરૂ થઈ હતી. બે દિવસ પહેલાં તબિયત ફરીથી રાબેતા મુજબની થવા માંડી હતી, પણ રવિવારે રાતથી તબિયત અચાનક વધુ બગડી અને ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે તેમનું અવસાન થયું.

ટૉપ ટેન

૧.

ચિઠ્ઠી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ...

૨.

આપ જિન કે કરીબ હોતે હૈં...

૩.

એક તરફ ઉસકા ઘર, એક તરફ મયકદા...

૪.

ચાંદી જૈસા રંગ હૈ તેરા...

પ.

થોડી થોડી પિયા કરો...

૬.

મોહે આયી ના જગ સે લાજ...

૭.

ના કજરે કી ધાર...

૮.

નિકલો ના બેનકાબ, ઝમાના ખરાબ હૈ...

૯.

સબ કો માલૂમ હૈ, મૈં શરાબી નહીં...

૧૦.

શરાબ ચીઝ હી ઐસી હૈ, ના છોડી જાએ...

 

pankaj udhas Rashmin Shah entertainment news bollywood buzz bollywood news