પથારીવશ થયેલી રશ્મિકાની ફિલ્મો અટવાઈ, ડિરેક્ટરોની માફી માગી

13 January, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કુબેરા’માં રશ્મિકા સાથે ધનુષ, નાગાર્જુન અને બીજા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. પહેલાં આ ફિલ્મ ૨૦૨૪ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ હવે એ પાછળ ઠેલાઈ ગઈ છે.

રશ્મિકા મંદાના

ઍક્ટ્રેસ રશ્મિકા મંદાના હાલમાં ‘સિકંદર’, ‘થામા’ અને ‘કુબેરા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે થોડાક દિવસો પહેલાં જિમમાં ફિટનેસ-ટ્રેઇનિંગના સેશન દરમ્યાન તેને ભારે લેગ-ઇન્જરી થતાં તેને તબીબી સલાહને કારણે થોડા દિવસ માટે ફરજિયાત બ્રેક લેવો પડ્યો છે અને એને કારણે તેની ફિલ્મોનાં શૂટિંગ-શેડ્યુલ ખોરવાઈ ગયાં છે. આવા સંજોગોમાં રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની ઈજા વિશે માહિતી આપીને ફિલ્મોમાં એને કારણે થનારા વિલંબ બદલ ફિલ્મના મેકર્સની માફી માગી હતી.

રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઈજાગ્રસ્ત પગની કેટલીક તસવીરો શૅર કરી હતી અને લાગણી દર્શાવવા બદલ ફૅન્સનો આભાર માન્યો હતો. તેણે મેસેજમાં લખ્યું હતું, ‘વેલ, મારા માટે નવા વર્ષની આવી શરૂઆત થઈ છે. જિમ-સેશન દરમ્યાન મને ઈજા થઈ છે. હવે હું ‘હોપ મોડ’માં છું. હવે આ મોડ અઠવાડિયાંઓ સુધી ચાલશે કે મહિનાઓ સુધી એ તો ભગવાન જ જાણે. હું ‘થામા’, ‘સિકંદર’ અને ‘કુબેરા’ના સેટ પર પાછી આવવા બદલ હોપફુલ છું.’

પોતાની પોસ્ટમાં આ ફિલ્મોના મેકર્સની માફી માગતાં તેણે લખ્યું હતું કે ‘ડિલે બદલ મારા ડિરેક્ટર્સની માફી માગું છું... બહુ જલદી મારા પગ કામ કરવા માટે ફિટ થઈ જશે ત્યારે હું તરત કામ પર પાછી ફરીશ.’

રશ્મિકાની આગામી ફિલ્મ સલમાન ખાન સાથેની ‘સિકંદર’ છે જે આ વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થશે. સલમાન સાથે રશ્મિકાની આ પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મમાં તે એકદમ ‘દેસી’ લુકમાં જોવા મળશે. એ સિવાય રશ્મિકા મૅડૉક ​િફલ્મસના હૉરર કૉમેડી યુનિવર્સ ભાગ જેવી ફિલ્મ ‘થામા’માં આયુષ્યમાન ખુરાના સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આયુષ્યમાન હાર્ટબ્રોકન વેમ્પાયરના રોલમાં જોવા મળશે.

‘કુબેરા’માં રશ્મિકા સાથે ધનુષ, નાગાર્જુન અને બીજા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. પહેલાં આ ફિલ્મ ૨૦૨૪ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ હવે એ પાછળ ઠેલાઈ ગઈ છે. 

rashmika mandanna bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news