સ્માર્ટ ડ્રેસિંગ સેન્સથી અટ્રૅક્ટ થાય છે રશ્મિ

05 March, 2023 01:34 PM IST  |  Mumbai | Harsh Desai

તેણે ૨૦૦૬માં ‘રાવણ’ સિરિયલમાં કામ કર્યું હતું અને ત્યાંથી તેની ટીવી-કરીઅરની શરૂઆત થઈ હતી

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈનો જન્મ ગુજરાતી ફૅમિલીમાં થયો હતો. તેનું સાચું નામ શિવાની દેસાઈ છે, પરંતુ તેનું સ્ક્રીન-નેમ રશ્મિ છે. તે મુંબઈમાં ભણી છે અને તેણે ૨૦૦૪માં શાહરુખ ખાન અને રવીના ટંડનની ફિલ્મ ‘યે લમ્હેં જુદાઈ કે’માં કામ કર્યું હતું. તેણે ૨૦૦૬માં ‘રાવણ’ સિરિયલમાં કામ કર્યું હતું અને ત્યાંથી તેની ટીવી-કરીઅરની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું હતુ. જોકે તેને ખરી લોકપ્રિયતા ‘ઉતરણ’માં તપસ્યાના રોલ દ્વારા મળી હતી. આ શો માટે તેને ઘણા અવૉર્ડ્સ મળ્યા હતા તેમ જ તે એ સમયે ટીવી-ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પૈસા ચાર્જ કરનાર હિરોઇન હતી. તે ‘બિગ બાૅસ’ની ૧૫મી સીઝનમાં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તેણે વેબ-શો ‘તંદૂર’ અને ‘રાત્રિ કે યાત્રી’માં પણ કામ કર્યું છે. તે ‘નાગિન 6’માં પણ મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
એકદમ ચોક્કસ, સપના જોનારી, સુંદર, ઉદાર દિલ અને પ્રેમાળ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
સારું કામ મળવાથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને ફૅમિલી મેમ્બરને ખોવાના વિચારથી પણ મને ડર લાગે છે.

ડેટ પર કોઈને લઈ જવું હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
હું મારી મમ્મીને ડેટ પર લઈ જઈશ એકદમ મસ્ત લોકેશન પર, કારણ કે અમને એકબીજા સાથે સમય પસાર કરવાનું ખૂબ ગમે છે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
કપડાં પર. ત્યાર બાદ હું સૌથી વધુ પૈસા ફૂડ પાછળ ખર્ચું છું, કારણ કે હું ફૂડી છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
ડ્રેસિંગ એકદમ સ્માર્ટલી હોવું જોઈએ. સારા ડ્રેસિંગમાં રહેનાર લોકો મને ખૂબ ગમે છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું ઇચ્છું છું કે લોકો મને દયાળુ, માયાળુ અને લોકોની હંમેશાં મદદ કરનાર તરીકે ઓળખે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
મને એક વ્યક્તિએ લેટર લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે મેં તેને કેવી રીતે પ્રેરિત કર્યો હતો. હું ખૂબ ખુશ થઈ ગઈ હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
હું કૉલેજમાં જૅકેટ પહેરતી હતી અને મને એ એટલું ગમ્યું કે એ હજી પણ મારી પાસે છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મોડી રાતે ઘરે એકલી ચાલીને આવવું.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં મિસ્ટરી બનાવી રાખી છે?
એને હું હજી પણ સીક્રેટ રાખવા માગું છું.

entertainment news bollywood news rashami desai harsh desai