16 January, 2024 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર શૌરી
દિલ્હી (Delhi)માં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તેની અસર રોડ ટ્રાફિકની સાથે એર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. ધુમ્મસના વાતવરણને કારણે અનેક ફ્લાઈટ અને ટ્રેનો રાજધાનીમાં મોડી દોડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આ જ પરિસ્થિતિ છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. ફ્લાઈટ ડીલે થવાને કારણે થયેલા ત્રાસમાં હવે અભિનેતા રણવીર શૌરી (Ranvir Shorey)નું નામ પણ જોડાઈ ગયું છે. ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines)ની ફ્લાઈટ દસ કલાક મોડી પડવાને કારણે રણવીર શૌરીને આઘાત લાગ્યો હતો અને તે હવે એરલાઈન્સ વિરુદ્ધ ફરિયાદ પણ કરવાનો છે.
તાજેતરમાં ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટ દસ કલાકથી વધુ મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્લેનમાં અભિનેતા રણવીર શૌરી પણ હાજર હતો. તેણે ફ્લાઈટ મોડી થવા બદલ ઈન્ડિગો એરલાઈન્સ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રણવીરે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને તેને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે પણ લખ્યું છે. એટલું જ નહીં તેણે ઈન્ડિગો એરલાઈન્સને શ્રાપ પણ આપ્યો છે.
રણવીર શૌરીએ આરોપ લગાવ્યો કે, તેની બપોરે બે વાગ્યાની ફ્લાઇટ અડધી રાત સુધી મોડી પડી હતી. આ દરમિયાન હદ ત્યારે થઈ ગઈ જ્યારે એરલાઈન્સના કર્મચારીઓ રણવીર સહિત અન્ય પેસેન્જરોને ખોટું બોલતા રહ્યા કે પ્લેન જલ્દી ટેકઓફ થઈ જશે.
રણવીરે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘ગઈકાલે @IndiGo6E એ અમને જે કહ્યું તેની વિગતો અહીં છે. અમારી ફ્લાઈટ બપોરે ૨ વાગ્યે ઉપડવાની હતી. તેથી અમે બધા ૮ જણ બે કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી ગયા. અમે તપાસ કરી અને પછી અમને કહેવામાં આવ્યું હતું કે ખરાબ હવામાન (ધુમ્મસ)ને કારણે ફ્લાઈટ ૩ કલાક મોડી પડી હતી. પરંતુ એરપોર્ટ પર પહોંચતા પહેલા અમને કહેવામાં આવ્યું ન હતું કે ફ્લાઈટ મોડી પડશે. જો કે ધુમ્મસને ધ્યાનમાં રાખીને અમે ફરિયાદ કરી નથી, એવું વિચારીને કે ત્યાં કોઈ મુશ્કેલી હોય શકે છે. કેટલીક સમસ્યા હતી અને અમે બધુ સમજી રહ્યા હતા, કારણ કે અમે જાણતા હતા કે શિયાળાની ઋતુમાં આવી સમસ્યાઓ ક્યારેક ઊભી થાય છે.’
રણવીરે વધુમાં જણાવ્યું હતું કે, ‘ફ્લાઇટ હવે ત્રણ કલાકના વિલંબ સાથે સાંજે ૫ વાગ્યે ઉપડવાની હતી. આ પછી લગભગ પાંચ વાગ્યે, અમને કહેવામાં આવ્યું કે ફ્લાઇટ હવે ત્રણ કલાક પછી આઠ વાગ્યે ઉપડશે. આવી સ્થિતિમાં, મારા એક મિત્રએ અમારી ફ્લાઈટનું રૂટીંગ ચેક કરવા ઈન્ડિગોની વેબસાઈટ તપાસી. તો તે દર્શાવે છે કે અમે જે ફ્લાઈટ લેવાના હતા તેમાં ધુમ્મસની કોઈ સમસ્યા નથી. જ્યારે અમે ઈન્ડિગોના કર્મચારીઓને તેના વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે વેબસાઈટ યોગ્ય રીતે અપડેટ કરવામાં આવી નથી.’
અભિનેતા રણવીરે કહ્યું કે, ‘ઈન્ડિગોના કર્મચારીઓએ અમને અંધારામાં રાખ્યા અને દરેક વખતે અમારી સાથે ખોટું બોલતા રહ્યા. તેમણે એક વખત પણ સત્યનો સામનો કર્યો નથી. અમારી ફ્લાઇટ અડધી રાત્રે ઉપડી. આ શેડ્યૂલ કરતાં લગભગ ૧૦ કલાક મોડી હતી. અમે એરપોર્ટ પર અમારા ૧૦ કલાક કેવી રીતે વિતાવ્યા...તે ભયાનક યાદોને શબ્દોમાં મૂકવી ખૂબ જ મુશ્કેલ છે.’
રણવીર શૌરીનું કહેવું છે કે તે ઈન્ડિગો વિરુદ્ધ તેની વર્તણૂક અને તે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયો છે તેના માટે ફરિયાદ નોંધાવશે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસથી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેના કારણે સેંકડો ફ્લાઈટો મોડી પડી છે.