04 December, 2023 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર, તારું આવું અદ્ભુત પાત્ર સ્ક્રીન પર કદી નહોતું જોયું : અર્જુન કપૂર
રણબીર કપૂરની ‘ઍનિમલ’ના તેના પાત્રની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ લીડ રોલમાં છે. ફિલ્મમાં રણબીરને ખૂબ આક્રમક દેખાડાયો છે. આલિયા ભટ્ટ પણ હસબન્ડ રણબીરના પર્ફોર્મન્સની દીવાની થઈ ગઈ છે. એવામાં ‘ઍનિમલ’ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર ફિલ્મની પ્રશંસા કરતાં અર્જુન કપૂરે લખ્યું છે કે ‘ફિલ્મ ‘ઍનિમલ’ જોવી એક અનુભવ છે. રણબીર, તું સ્પેશ્યલ છે. લાઇફમાં એક વખત એવું બને છે જ્યારે પાત્રમાં આગ, દર્દ, પાગલપન અને આક્રમકતા દેખાય છે, જેને ઑન-સ્ક્રીન કદી નથી જોયું. રશ્મિકા મંદાના, તેં રણબીર સાથે ખૂબ સાહસ અને પ્રામાણિકતા સાથે કામ કર્યું છે. બૉબી દેઓલ, ફિલ્મમાં તારી હાજરી શાનદાર છે. તમને ફિલ્મમાં વધુ જોવાની ઇચ્છા છે. મને એવું લાગે છે કે કોઈ ઍક્ટર માટે આનાથી મોટી પ્રશંસા બીજી કોઈ ન હોઈ શકે. અનિલ કપૂર, તમે કમાલના ઍક્ટર છો. તમે જે પ્રામાણિકતા, તાકાત અને વિશ્વાસ સાથે બલબીરને સ્ક્રીન પર સાકાર કર્યો છે એ ખરેખર અદ્ભુત છે. આ ફિલ્મનો રિયલ લીડર, કૅપ્ટન છે સંદીપ રેડ્ડી વાંગા. તમારું વિઝન, તમારી રાઇટિંગ, તાલમેલ ખરેખર પ્રશંસાપાત્ર છે. પિતા-પુત્રના પ્રેમની સ્ટોરીને તમે શાનદાર ઢબે દેખાડી છે. તમને અને તમારી ટીમને અભિનંદન.’
રણબીર કપૂરની ‘ઍનિમલ’ના હિન્દી વર્ઝને બે દિવસમાં ૧૦૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ત્રીજી ફિલ્મ બની છે. આ ફિલ્મ હિન્દી સાથે સાઉથની ભાષામાં પણ રિલીઝ થઈ છે. ‘ઍનિમલ’ના હિન્દી વર્ઝને પહેલા દિવસે શુક્રવારે ૫૪.૭૫ કરોડ અને શનિવારે ૫૮.૩૭ કરોડ મળીને ૧૧૩.૧૨ કરોડનો બિઝનેસ કર્યો છે. તો સાઉથની ભાષાનું કલેક્શન શુક્રવારે ૦૯.૦૫ કરોડ અને શનિવારે ૮.૯૦ કરોડ સાથે કુલ ૧૭.૯૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આવી રીતે બધી ભાષાનો બિઝનેસ કુલ ૧૩૧.૦૭ કરોડ રૂપિયા થયો છે.
વાત કરીએ વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ની, તો ફિલ્મમાં તેના પર્ફોર્મન્સની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. દેશના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોની લાઇફ પર બનેલી આ ફિલ્મના કલેક્શનમાં શનિવારે વધારો થયો હતો. બે દિવસના એના કલેક્શનની વાત કરીએ તો ૬.૨૫ કરોડ અને શનિવારે ૯ કરોડ સાથે કુલ ૧૫.૨૫ કરોડનો વકરો થયો છે.