11 February, 2024 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલ પ્રીત સિંહ
ફિલ્મમેકર નિતેશ તિવારીની ‘રામાયણ’ને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં ભગવાન શ્રીરામના રોલમાં રણબીર કપૂર અને સીતાના રોલમાં સઈ પલ્લવી જોવા મળશે. હનુમાનની ભૂમિકામાં સની દેઓલ અને રાવણના પાત્રમાં સાઉથનો યશ દેખાશે. ચર્ચા એવી પણ છે કે કૈકેયીના રોલ માટે લારા દત્તા અને વિભીષણના પાત્રમાં વિજય સેતુપતિ દેખાશે. હવે ચર્ચા ચાલી રહી છે રાવણની બહેન શૂર્પણખાની. આ રોલ માટે નિતેશ તિવારી અને રકુલ પ્રીત સિંહ વચ્ચે ખૂબ ચર્ચા ચાલી રહી છે. રકુલ આ રોલ માટે ઉત્સુક છે. રકુલનું માનવું છે કે આવી તક લાઇફમાં એક વખત મળે છે. શૂર્પણખાનું નાક લક્ષ્મણ કાપે છે અને એનું વેર વાળવા માટે રાવણ સીતાનું અપહરણ કરે છે. રકુલ સાથે આ રોલ માટે પેપરવર્ક ટૂંક સમયમાં થવાનું છે. માર્ચમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને ૨૦૨૫ની દિવાળીમાં ફિલ્મ રિલીઝ થશે.