31 August, 2023 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપકુમાર અને લતા મંગેશકર
સાયરા બાનુનું કહેવું છે કે દિલીપકુમાર અને લતા મંગેશકરના સંબંધ ભાઈ-બહેનના હતા. તેઓ દરેક રક્ષાબંધન પર તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢતાં હતાં. તેમનો આ બૉન્ડ જગજાહેર છે અને એ બૉન્ડ તેમનાં અંતિમ વર્ષો સુધી બનેલો રહ્યો હતો. આ વિશે વાત કરતાં સાયરા બાનુએ એક નોટ શૅર કરીને કહ્યું હતું કે ‘ઇન્ડિયન સિનેમાના કોહિનૂર દિલીપ સાહિબ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનાં નાઇટિંગલ લતા મંગેશકર વચ્ચેનો બૉન્ડ તેમના સ્ટારડમથી પણ પરે હતો. તેમનો બૉન્ડ ભાઈ અને બહેનનો હતો. એ ગોલ્ડન દિવસોમાં આ બે જણ તેમના ઘરેથી કામ પર જવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરતાં હતાં જેને મુંબઈની લાઇફલાઇન પણ કહેવામાં આવે છે. આ ટ્રાવેલિંગ દરમ્યાન તેઓ તેમના વિચારો, અનુભવ અને ઍડ્વાઇઝ શૅર કરતાં હતાં. એક વાર દિલીપ સાહિબે લતાજીને કહ્યું હતું કે ઉર્દૂની સુંદરતા એના સ્વચ્છ ઉચ્ચારમાં છુપાયેલી છે આથી તેઓ તેમના આ ઉચ્ચાર પર કામ કરે. એક આજ્ઞાકારી બહેને તેમની સલાહ માની અને ઉર્દૂના ટીચર પાસેથી એની ટ્રેઇનિંગ લીધી હતી. એ દિવસથી તેમના દરેક ગીતમાં આ સ્વચ્છ ઉચ્ચાર જોવા મળતા હતા. તેમના અત્યંત વ્યસ્ત શેડ્યુલ છતાં પણ તેઓ રક્ષાબંધનના દિવસે એકમેકને મળતાં હતાં. લતાજી સાહિબના હાથમાં રાખી બાંધતાં હતાં. તેઓ દર વર્ષે એને ફૉલો કરતાં હતાં. હું રક્ષાબંધનના દિવસે તેમની પસંદની સાડી તેમને ભેટ આપતી હતી.’