Rakesh Bedi : અભિનેતાને લાગ્યો ૭૫,૦૦૦નો ચૂનો, આ રીતે થયા સાયબર ફ્રોડનો શિકાર

02 January, 2024 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rakesh Bedi : ‘શ્રીમાન શ્રીમતી’ ફૅમ અભિનેતા રાકેશ બેદીને આર્મી ઓફિસરના નામે સ્કેમરે છેતર્યા

રાકેશ બેદીની ફાઇલ તસવીર

આજકાલના સમયમાં ફ્રોડ (Fraud) અને સાયબર ફ્રોડ (Cyber Fraud)માં અતિશય વધારો થયો છે. માત્ર સામાન્ય લોકો જ નહીં મોટા સ્ટાર્સ પણ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. હાલમાં જ એક જાણીતા પીઢ અભિનેતા સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. ‘શ્રીમાન શ્રીમતી’ (Shrimaan Shrimati) ફૅમ સિનિયર એક્ટર રાકેશ બેદી (Rakesh Bedi) પણ સાયબર ફ્રોડમાં ફસાયા છે. અભિનેતા રાકેશ બેદી સાથે ફોન કૌભાંડમાં ૭૫,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આર્મી ઓફિસર (Army Officer)ના નામે રાકેશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ જ્યારે લોકો નવા વર્ષના આગમનની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે અભિનેતા રાકેશ બેદીને હજારોનું નુકસાન થયું હતું. એક વ્યક્તિએ આર્મી ઓફિસર હોવાનો ડોળ કરીને રાકેશ બેદી સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે તેમને ખબર પડી કે આ એક સાયબર ફ્રોડ છે ત્યાં સુધીમાં તેઓ ૭૫,૦૦૦ રુપિયા ગુમાવી ચુક્યા હતા. આરોપી વ્યક્તિએ અભિનેતાનો પુણે (Pune)નો ફ્લેટ ખરીદવામાં રસ દેખાડ્યો હતો. આ બાબતે રાકેશ બેદીએ ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ઓશિવારા પોલીસ સ્ટેશન (Oshiwara Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

એક પોર્ટલ સાથે વાત કરતા રાકેશ બેદીએ છેતરપિંડી વિશે માહિતી આપી છે. અભિનેતાએ કહ્યું, ‘હું મોટા નુકસાનથી બચી ગયો છું. પરંતુ હું એવા લોકોને સાવચેત કરવા માંગુ છું જેઓ આર્મી ઓફિસર હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરે છે. તેઓ હંમેશા રાત્રે જ ફોન કરે છે. જેથી જ્યાં સુધી તમને ખબર પડે કે તમારી સાતે ફ્રોડ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તમારી સાથે છેતરપિંડી થઈ ગઈ હોય છે.’

અભિનેતા રાકેશ બેદીએ કહ્યું કે, તેમણે પોલીસને પોતાના અકાઉન્ટ સાથે જોડાયેલી તમામ વિગતો આપી દીધી છે. તે વ્યક્તિનો અકાઉન્ટ નંબર પણ પોલીસને જણાવી દીધો છે. પોલીસે તેમને જણાવ્યું કે, આવા કિસ્સા ઘણા સમયથી બની રહ્યાં છે. અનેક લોકો આ પ્રકારના ફ્રોડનો શિકાર બન્યા છે.

તમને જણાવી દઈએ કે, ૬૯ વર્ષીય રાકેશ બેદી છેલ્લા ચાર દાયકાથી સિનેમા સાથે જોડાયેલા છે. તેમણે ટેલિવિઝનથી લઈને બોલિવૂડ સુધી દરેક પ્લેટફોર્મ પર કામ કર્યું છે. અભિનેતા છેલ્લે વિકી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ ‘જરા હટકે ઝરા બચકે’ (Zara Hatke Zara Bachke) અને સની દેઓલ (Sunny Deol) અભિનીત ‘ગદર ૨’ (Gadar 2)માં જોવા મળ્યા હતા. ટેલિવિઝનની વાત કરીએ તો અભિનેતા રાકેશ બેદી વર્ષ ૨૦૨૨માં શો ‘વાહ ભાઈ વાહ’ (Wah Bhai Wah)માં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે ‘ચશ્મે બદ્દૂર’ (Chashme Baddoor), ‘ખટ્ટા મીઠા’ (Khatta Meetha) અને ‘પ્રોફેસર કી પડોસન’ (Professor Ki Padosan) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાકેશ બેદીએ ‘યે જો હૈ ઝિંદગી’ (Yeh Jo Hai Zindagi), ‘શ્રીમાન શ્રીમતી’ (Shrimaan Shrimati) જેવી ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે.

cyber crime rakesh bedi oshiwara mumbai police Crime News mumbai crime news mumbai mumbai news entertainment news bollywood news bollywood television news indian television