‘મુન્નાભાઈ MBBS’ માટે પહેલી પસંદ અનિલ કપૂર હતો : રાજકુમાર હીરાણી

20 December, 2022 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન પાસે સમય ન હોવાથી તે પણ ફિલ્મ નહોતો કરી શક્યો

રાજકુમાર હીરાણી

રાજકુમાર હીરાણીએ જણાવ્યું છે કે ‘મુન્નાભાઈ MBBS’ માટે પહેલી પસંદ અનિલ કપૂર હતો. આ ફિલ્મની રિલીઝને ગઈ કાલે ૧૯ વર્ષ પૂરાં થયાં છે. આ ફિલ્મમાં સંજય દત્તે મુન્નાનો અને અર્શદ વારસીએ સર્કિટનો રોલ ભજવીને ફિલ્મને યાદગાર બનાવી દીધી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક નાનકડી ભૂમિકામાં દેખાયો હતો. સુનીલ દત્તે સંજય દત્તના પિતાનો રોલ ભજવ્યો હતો. હવે ‘મુન્નાભાઈ MBBS’ને ૧૯ વર્ષ પૂરાં થતાં ફિલ્મને લઈને ઇન્ટરેસ્ટિંગ વાત જણાવતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘મારી પહેલી પસંદ અનિલ કપૂર હતો, કારણ કે તેણે ૧૯૮૮માં આવેલી ‘તેઝાબ’ સિવાય કેટલીક ફિલ્મોમાં ‘ભાઈ’ના રોલ કર્યા હતા. એ વખતે મને લાગ્યું કે આ રોલ માટે તે જ પર્ફેક્ટ છે. જોકે ફિલ્મની જર્ની લાંબી થઈ ગઈ. ફિલ્મના પ્રોડ્યુસર તરીકે વિધુ વિનોદ ચોપડાની એન્ટ્રી થઈ હતી. અમે શાહરુખ ખાનને પણ અપ્રોચ કર્યો હતો. ફાઇનલી એક લેવલ પર અમને સંજય દત્ત આ રોલ માટે યોગ્ય લાગ્યો. સંજય દત્તનું ફિઝિક ‘ભાઈ’ જેવું લાગે છે. સાથે જ તેમની આંખો અને ચાર્મિંગ સ્માઇલ એમાં ઉમેરો કરે છે. હું હવે જ્યારે એ ફિલ્મ વિશે વિચારું છું તો મને લાગે છે કે એ યોગ્ય ચૉઇસ હતી.’

શાહરુખને આ ફિલ્મમાં ન લેવાનું કારણ જણાવતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘મેં જ્યારે આ સ્ટોરી વિધુ વિનોદ ચોપડાને સંભળાવી તો તેણે મને કહ્યું કે ‘શાહરુખ કો કહાની સુનાઓ. વોહ યે રોલ અચ્છા કરેગા.’ મેં તેને કારણ જણાવ્યું કે ‘શાહરુખ મેરી ફિલ્મ ક્યૂં કરેગા? હું તો નવો છું અને તેણે તો મારું કામ પણ નથી જોયું.’ તો પણ તેમણે મને કહ્યું, ‘સુના તો દો કહાની.’ મને આજે પણ યાદ છે કે તે ૨૦૦૨માં ‘દેવદાસ’નું શૂટિંગ કરી રહ્યો હતો. હું તેને જ્યારે મળ્યો તો તેને સ્ટોરી નરેટ કરવા માગતો હતો, પરંતુ તેણે મને કહ્યું કે તે બિઝી છે એથી સ્ક્રિપ્ટ ત્યાં છોડીને જાઉં. હું થોડો નિરાશ થયો, કેમ કે મારે તેને સ્ટોરીનું નરેશન આપવું હતું. આમ છતાં હું ત્યાં સ્ક્રિપ્ટ છોડીને જતો રહ્યો. થૅન્કફુલી શાહરુખે સ્ક્રિપ્ટ વાંચી અને બીજા દિવસે તેણે મને કૉલ પણ કર્યો. તેણે મને મળવા જણાવ્યું. તેણે મને કહ્યું કે તેને સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી છે. જોકે તેને આશ્ચર્ય હતું કે હું આ ફિલ્મ બનાવી શકીશ. ફાઇનલી તે રાજી થયો. એ વખતે તેને નેકની સર્જરી માટે લંડન જવાનું હતું. એથી તે આગામી ૬ ​મહિના સુધી કોઈ કામ નહોતો કરવાનો. સાથે જ તેની પાસે ‘ચલતે ચલતે’, ‘મૈં હૂં ના’ અને ‘વીરઝારા’ ફિલ્મો હતી. તેણે મને જણાવ્યું કે તે બાકી રહેલી ફિલ્મો પૂરી કરશે અને ત્યાર બાદ જ તે મારી ફિલ્મમાં કામ કરી શકશે. એનો અર્થ એ થયો કે મારે બેથી અઢી વર્ષ સુધી રાહ જોવાની હતી. વિનોદને આટલો સમય રાહ જોવાનું યોગ્ય ન લાગ્યું, કેમ કે ગીતો તૈયાર હતાં અને અન્ય તૈયારીઓ પણ થઈ ગઈ હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood anil kapoor rajkumar hirani sanjay dutt munna bhai mbbs