03 August, 2024 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડા, રાઘવ ચઢ્ઢા
પરિણીતિ ચોપડાનું દિલ ફરી તેના પતિ રાઘવ ચઢ્ઢાએ જીતી લીધું છે. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ પાર્લમેન્ટમાં ફિલ્મ પાઇરસીને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. પરિણીતિ સાથે જયા બચ્ચને પણ રાઘવ ચઢ્ઢાનાં વખાણ કર્યાં હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ આ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં ફિલ્મ ઑનલાઇન આવી જાય છે અને એથી ફિલ્મને ઘણું નુકસાન થાય છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ કારણસર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે તેમ જ કોવિડ દરમ્યાન પાઇરસીનું પ્રમાણ ૬૨ ટકા વધી ગયું હતું. રાઘવની આ સ્પીચને લઈને પરિણીતિએ કૅપ્શન આપી હતી, ‘મારા પ્રેમી. તું સ્ટાર છે કે તેં પાર્લમેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો.’
વિડિયો પાઇરસીથી વર્ષે ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
રાજ્યસભામાં આ મુદ્દો રજૂ કરીને તાત્કાલિક પગલાં લેવાની રાઘવ ચઢ્ઢાની માગણી
આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ ગઈ કાલે રાજ્યસભામાં સરકારને ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ્સ પર વિડિયો પાઇરસીના મુદ્દે અસરકારક પગલાં લેવાની માગણી કરતાં જણાવ્યું હતું કે આનાથી ફિલ્મ-ઉદ્યોગને દર વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, પાઇરસીને કારણે કલાકારોની વર્ષોની મહેનત ધોવાઈ જાય છે. રાઘવ ચઢ્ઢાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોવિડ-19 બાદ વિડિયો પાઇરસી સામે ફિલ્મ-ઉદ્યોગમાં ચિંતા વધી છે. કોવિડ-19 બાદ વિડિયો પાઇરસીમાં ૬૨ ટકાનો વધારો નોંધાયો હતો. આને કારણે ફિલ્મ-ઉદ્યોગની નાણાકીય સ્થિરતા જોખમાય છે એમ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું. આ મુદ્દે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરના એક ટ્વીટમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘પાઇરસી એક પ્લેગ છે જે ફિલ્મ-ઉદ્યોગ અને હવે OTT પ્લૅટફૉર્મ પર વ્યાપ્ત છે. અમે એક વર્ષ પહેલાં સિનેમૅટોગ્રાફિક (સુધારા) બિલ મંજૂર કર્યું છે, પણ એમાં ઑનલાઇન પાઇરસી સામે લડવા નક્કર પદ્ધતિનો અભાવ છે. એ મોટા ભાગે મલ્ટિપ્લેક્સોમાં કૅમેરા રેકૉર્ડિંગ પર ધ્યાન આપે છે. આ બિલમાં મર્યાદિત અવકાશ છે, પણ ડિજિટલ પાઇરસીએ ઊભા કરેલા પડકારનો સામનો કરવા એ સમર્થ નથી. આ દૂષણને ડામવા માટે વધારે સારો કાયદો બનાવવાની જરૂર છે.’