midday

અલ્લુ અર્જુન સામે નોંધાયો ઇરાદા વિના હત્યા કરવાનો આરોપ

06 December, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે રાત્રે હૈદરાબાદના એક થિયેટરમાં પુષ્પા 2 : ધ રૂલના પ્રમોશન માટે ગયો ત્યારે તેને જોવા ઊમટેલી ભીડમાં નાસભાગ થવાથી મહિલાએ જીવ ગુમાવ્યો, તેનો પુત્ર ગંભીર
બુધવારે રાત્રે હૈદરાબાદના થિયેટરની બહાર ચાહકો સાથે સંવાદ કરતો અલ્લુ અર્જુન, અલ્લુ અર્જુનને લીધે થયેલી નાસભાગ પછી લોકોનાં ફુટવેઅર ઠેરઠેર વિખરાયેલાં જોવા મળ્યાં હતાં.

બુધવારે રાત્રે હૈદરાબાદના થિયેટરની બહાર ચાહકો સાથે સંવાદ કરતો અલ્લુ અર્જુન, અલ્લુ અર્જુનને લીધે થયેલી નાસભાગ પછી લોકોનાં ફુટવેઅર ઠેરઠેર વિખરાયેલાં જોવા મળ્યાં હતાં.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ ગઈ કાલે રિલીઝ થઈ હતી. એ પહેલાં બુધવારે રાત્રે હૈદરાબાદમાં અલ્લુ અર્જુન ફિલ્મનું પ્રમોશન કરવા માટે એક થિયેટરમાં પહોંચ્યો ત્યારે તેને જોવા માટે એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી જતાં ૩૫ વર્ષની એમ. રેવતી નામની મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પુત્રને ગંભીર ઈજા થઈ હતી. આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુન અને થિયેટરના માલિક સહિતના લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ મુજબ ઇરાદા વિના હત્યા કરવાનો મામલો નોંધ્યો છે.

હૈદરાબાદ પોલીસના કમિશનર સી. વી. આનંદે ગઈ કાલે કહ્યું હતું કે ‘થિયેટરના માલિક કે અભિનેતા અલ્લુ અર્જુનની ટીમે અભિનેતા અહીં આવવાનો છે એની કોઈ સૂચના નહોતી આપી. ઉપરાંત અભિનેતા અને તેની ટીમ માટે થિયેટરમાં અલગથી કોઈ એન્ટ્રી કે એક્ઝિટ નહોતી. આથી ઍક્ટર રાતના ૯.૩૦ વાગ્યે ફિલ્મનું પ્રમોશન કરવા મ્યુઝિક-ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદ સાથે થિયેટર પહોંચ્યો ત્યારે તેની એક ઝલક મેળવવા માટે થિયેટરની બહાર એકત્રિત થયેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. એમાં એમ. રેવતી નામની મહિલા અને તેના પુત્રને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. તેમને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યાં હતાં. જોકે એટલી વારમાં રેવતીએ દમ તોડી નાખ્યો હતો, જ્યારે તેના પુત્ર તેજાની હાલત ગંભીર છે. દિલખુશનગરમાં રહેતા રેવતીના પરિવારે આ ઘટના માટે થિયેટરના સંચાલકોને જવાબદાર ગણાવ્યા છે અને અભિનેતા અલ્લુ અર્જુન પાસે જવાબ માગ્યો છે. ઉપરાંત અલ્લુ અર્જુન તેમને મદદ કરે એમ પણ કહ્યું છે.

entertainment news hyderabad Crime News allu arjun bollywood news bollywood gossips bollywood events bollywood