23 December, 2024 10:20 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગ પછીની પરિસ્થિતિ અને મહિલાનો મૃતદેહ
અલ્લુ અર્જુને ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડીએ લગાવેલા આરોપોને રદિયો આપવા શનિવારે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી એ પછી ગઈ કાલે તેલંગણ પોલીસે તેને ખોટો પાડ્યો છે. હૈદરાબાદમાં સંધ્યા થિયેટર જ્યાં આવેલું છે એ ચિક્કાડાપલ્લી નામના વિસ્તારના સર્કલ ઇન્સ્પેક્ટર રાજુ નાયકે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે મેં અર્જુનની થિયેટર-વિઝિટ માટે મંજૂરી આપવાની ચોખ્ખી ના પાડી હતી. રાજુ નાયકે કહ્યું હતું કે થિયેટરની બહાર જે ધક્કામુક્કી થઈ એમાં હું પણ મરી જઈશ એવું મને લાગ્યું હતું.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) રમેશે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે તેને બહાર ધક્કામુક્કી થઈ છે એની જાણ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુન થિયેટરમાં હતો ત્યારે બહાર એક મહિલાનું મૃત્યુ થયું છે એના સમાચાર સૌપ્રથમ તેના મૅનેજર સંતોષને આપવામાં આવ્યા હતા. અમે તેમને કહ્યું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, પણ મૅનેજર સંતોષે અમને અલ્લુ અર્જુનને મળવા નહોતા દીધા. અમે આગ્રહ કર્યો કે તમે અલ્લુ અર્જુનને બહારની પરિસ્થિતિ વિશે જણાવો, પણ તેમણે કંઈ ન કર્યું. ડિરેક્ટર જનરલ ઑૅફ પોલીસ (DGP)એ મને આગ્રહ કર્યો કે હું જઈને અલ્લુ અર્જુનને પરિસ્થિતિ વિશે કહું એટલે હું ગયો અને કહ્યું કે અમે તમારા માટે રસ્તો ક્લિયર કર્યો છે, તમે અહીંથી નીકળી જાઓ. એ છતાં તેમણે કહ્યું કે હું ફિલ્મ પૂરી કરીને જઈશ. ત્યાર બાદ જ્યારે DGP પોતે આવ્યા અને તેમણે અલ્લુ અર્જુનને નીકળી જવા માટે ૧૦ મિનિટની મહેતલ આપી ત્યારે જઈને તે માન્યો.’