23 December, 2024 09:56 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
શનિવારે પ્રેસ-કૉન્ફરન્સમાં પોતાના પપ્પાને સાથે રાખીને અલ્લુ અર્જુને પોતાની બાજુ માંડી હતી
તેલંગણના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડીએ હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગના મામલામાં અલ્લુ અર્જુન પર વિધાનસભામાં ડાયરેક્ટ અટૅક કર્યો એ પછી અલ્લુ અર્જુને એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને બધા આરોપોને રદિયો આપ્યો હતો.
પોતાની સામે થયેલા બધા આરોપોને ખોટા અને માનહાનિ કરતા ગણાવીને અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘હું બેજવાબદારીપૂર્વક વર્ત્યો એવુંબધું કહીને ઘણીબધી ગેરમાહિતી ફેલાવવામાં આવી રહી છે. આ આરોપો ખોટા છે, અપમાનજનક છે અને મારું ચારિત્ર્યહનન કરનારા છે. જો પરમિશન ન હોત તો તેમણે મને પાછા જવાનું કહ્યું હોત અને હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. હું પાછો જતો રહ્યો હોત. મને એવી કોઈ માહિતી નહોતી આપવામાં આવી કે પોલીસની પરમિશન નથી.’
મારી કરીઅર અને પ્રતિષ્ઠાને બનાવવામાં મને બે દાયકાથી વધુ સમય લાગ્યો છે એમ જણાવતાં અલ્લુ અર્જુને કહ્યું હતું કે આ આરોપોથી હું નિરાશ થયો છું. નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે એની જાણ થયા છતાં તે થિયેટરમાં રોકાયો હતો એવા આક્ષેપ વિશે અલ્લુ અર્જુને કહ્યું હતું કે હું અમાનવીય નથી.
મારી હાજરીમાં આવી ઘટના બની એનો મને ખેદ છે એમ જણાવતાં અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘લોકો જ્યારે એમ કહે છે કે મહિલાના મૃત્યુ વિશે જાણીને પણ હું સ્વસ્થ હતો ત્યારે મને લાગે છે કે મારું ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે. હું થિયેટરમાં ગયો એ બેજવાબદારીભર્યું નહોતું, કારણ કે છેલ્લાં ૨૦ વર્ષમાં આવું કંઈ નથી થયું.’
હું પોલીસની પરમિશન ન હોવા છતાં થિયેટરમાં ગયો એના વિશે ખુલાસો કરતાં અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘આ બાબત થિયેટર મૅનેજમેન્ટે પોલીસ સાથે મળીને સુલઝાવી લીધી હતી. અને મેં ત્યાં કોઈ રોડ-શો નહોતો કર્યો. હું મારી કારની સનરૂફમાંથી ચાહકોને હાથ દેખાડવા એટલા માટે આવ્યો જેથી તેઓ મારી કારને જવા દે. કોઈ પણ સેલિબ્રિટી કે રાજકારણી ચાહકોના માન ખાતર આવું કરે જ છે. હું આવું ન કરું એટલો ઘમંડી નથી.’
પોલીસે થિયેટરમાં જઈને અલ્લુ અર્જુનને નીકળી જવાનું કહ્યું હતું એવા રેવંત રેડ્ડીના દાવા વિશે અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘થિયેટરમાં મને કોઈ પોલીસ નહોતો મળ્યો. થિયેટરના મૅનેજમેન્ટે મને ભીડ વિશે ચેતવ્યો એટલે હું ત્યાંથી નીકળ્યો. ત્યાં શું થયું છે એ તો મને બીજા દિવસે ખબર પડી. મારી પત્ની અને મારાં બાળકો મારી સાથે હતાં. એ વખતે મને ખબર હોત કે શું થયું છે તો હું મારાં બાળકોને પણ સાથે ન લઈ ગયો હોત? હું માત્ર મારી પત્ની સાથે જ બહાર નીકળ્યો હતો. હું મારાં બાળકોને પ્રેમ કરું છું, બીજા બાળક સાથે આવું હું ક્યારેય ન કરું.’
થિયેટરની બહાર જે મહિલા મૃત્યુ પામી તેના પરિવાર સાથે હું સતત સંપર્કમાં છું અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેના પુત્રના ખબરઅંતર હું દર કલાકે મેળવું છું એમ જણાવતાં અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘હું એ પરિવારને મળવા નથી જઈ શકતો, કારણ કે એમાં કાયદાકીય અડચણ છે. મારો દીકરો પણ ઘાયલ છોકરાની ઉંમરનો જ છે. શું હું પિતા નથી? શું મને નથી ખબર કે એક પિતા પર આવા સમયે શું વીતે છે?’