21 January, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું છે કે મેડિકલ કૉમ્પ્લીકેશન્સને કારણે તેણે અને તેના હસબન્ડ નિક જોનસે સરોગસીથી પેરન્ટ્સ બનવાનો નિર્ણય લીધો હતો. તેની દીકરીનું નામ માલતી મૅરી ચોપડા જોનસ રાખવામાં આવ્યું છે. તે હવે એક વર્ષની થઈ ગઈ છે. સરોગસીને કારણે પ્રિયંકાની ખૂબ નિંદા પણ કરવામાં આવી હતી. એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારા વિશે લોકો જ્યારે કાંઈક કહે છે તો મારા દર્દને હું છુપાવી લઉં છું, પરંતુ મારી દીકરી વિશે જ્યારે કહેવામાં આવે છે તો એ મારા માટે પીડાદાયક હોય છે. તેને આ બધાથી દૂર રાખો. ડૉક્ટર જ્યારે તેની નસને શોધવાનો પ્રયાસ કરતા હતા તો તેનો નાનકડો હાથ પકડી રાખવો એ કેવો અનુભવ છે એ હું જાણું છું. એથી તેને ગૉસિપ ન બનાવો. મારી દીકરીને લઈને હું ખૂબ પ્રોટેક્ટિવ છું, કારણ કે આ માત્ર મારી જ લાઇફ નથી, તેની પણ લાઇફ છે.’
પ્રિયંકા અને નિકે ૨૦૧૮માં રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કરી લીધાં હતાં. તેમની દીકરીનો જન્મ પ્રી-મૅચ્યોર હોવાથી તેને છ મહિના સુધી એનઆઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. સરોગસીનો નિર્ણય લેવા વિશે હવે પ્રિયંકાએ કહ્યું કે ‘મને મેડિકલ કૉમ્પ્લીકેશન્સ હતાં. આ અમારા માટે અગત્યનો નિર્ણય હતો. મને એ વાતની ખુશી છે કે હું એ સ્થાને પહોંચી ચૂકી છું કે આ કરી શકું છું. અમારી સરોગેટ ખૂબ ઉદાર, દયાળુ, પ્રેમાળ અને મજેદાર હતી. અમારી આ અણમોલ ગિફ્ટની તેણે છ મહિના સુધી કાળજી લીધી હતી.’
તેની ટીકા કરનારા તેમની વિચારધારા બદલી શકવાના નથી એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘તમે મને નથી જાણતા. હું શેમાંથી પસાર થઈ છું એનો તમને અંદાજ પણ નથી. માત્ર હું મારી મેડિકલ હિસ્ટરી કે પછી દીકરી વિશે કાંઈ કહેવા નથી માગતી. તો તમને કંઈ પણ કહેવાનો અધિકાર નથી.’