30 March, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસને પોતે કરેલી ફેરનેસ ઍડનો આજે પણ પસ્તાવો થાય છે. તેણે બૉલીવુડમાં થતા રંગભેદના કડવા અનુભવને પણ યાદ કર્યો છે. આજે પ્રિયંકા ગ્લોબલ સ્ટાર છે. તેની પાસે હૉલીવુડના પ્રોજેક્ટ છે. બૉલીવુડ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું જ્યારે મૂવી બિઝનેસમાં આવી ત્યારે તમે જો ફેર હો તો તમને સફળતાની અથવા તો કામની પૂરી ગૅરન્ટી મળે છે. જોકે તમે જો ડાર્ક હો અને મારો રંગ એટલો તો ડાર્ક નહોતો, પરંતુ જે યુવતીઓનો રંગ ડાર્ક હોય તો તેમને એવું કહેવામાં આવતું કે તમારો રંગ થોડો ઊજળો બનાવી દઈએ. મને પણ અનેક ફિલ્મોમાં ઊજળી કરવામાં આવી છે.’
૨૦૦૦ના દાયકામાં કરેલી ફેરનેસ ઍડનો આજે પણ પસતાવો થતાં પ્રિયંકાએ કહ્યું કે ‘અમને એવું શીખવાડવામાં આવતું હતું કે એ કંઈ નુકસાન કરે એવું નથી અને એ બધી ફાલતુ વાત છે. આથી મેં પણ ઍડમાં કામ કર્યું હતું અને આજે જ્યારે એ વિશે વિચારું છું તો લાગે છે કે એ કમર્શિયલ કેટલી નુકસાનવાળી હતી. એમાં મારો રંગ ખૂબ ડાર્ક હતો અને એક યુવાન ફૂલો વેચવા આવે છે અને તે મારા તરફ જોતો પણ નથી. બાદમાં હું એ ક્રીમ લગાવવાનું શરૂ કરું છું અને અચાનક મારાં બધાં કામ થવા લાગે છે. મને એ યુવાન પણ મળી જાય છે અને મારાં બધાં સપનાંઓ પૂરાં થઈ જાય છે. એ ઍડ ૨૦૦૦ના દાયકાની છે.’
‘RRR’ને ઇન્ડિયન ફિલ્મ કહેવા કરતાં તામિલ ફિલ્મ કહેતાં સોશ્યલ મીડિયા પર યુઝર્સ પ્રિયંકા ચોપડા જોનસને ટ્રોલ કરી રહ્યા છે
પ્રિયંકાએ મેળવેલી સફળતા લોકોના ચહેરા પર થપ્પડ છે : મીરા
પ્રિયંકા ચોપડા જોનસની કઝિન મીરા ચોપડાએ જણાવ્યું છે કે તેણે મેળવેલી સફળતા એ લોકોના ચહેરા પર જોરદાર થપ્પડ છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેને બૉલીવુડમાં એક તરફ ધકેલી દેવામાં આવી હતી. હવે ટ્વિટર પર તેની કઝિન મીરા ચોપડાએ ટ્વીટ કર્યું કે ‘આઉટસાઇડર કેટલા પણ સફળ થાય અથવા તો કેટલા મોટા સ્ટાર બની જાય, પરંતુ છેવટે તો એ આઉટસાઇડર જ ગણાશે. જો તમે કોઈ રૂલ બુકને ફૉલો નહીં કરો તો તમને કાપવામાં આવશે. તેમનું ગળું કાપવાનું બંધ નહીં કરવામાં આવે. જોકે પ્રિયંકાએ જે સફળતા મેળવી છે એ આ બધા લોકોના ગાલ પર મોટો તમાચો છે.’
પ્રિયંકા સાથે કામ ન કરવાની તેના મૅનેજરને કોણે સલાહ આપેલી?
પ્રિયંકા ચોપડા જોનસની અમેરિકામાં મૅનેજર અંજુલા અચારિયાએ જણાવ્યું છે કે તેની સાથે કામ ન કરવાની સલાહ તેને બૉલીવુડના કેટલાક લોકો આપતા હતા. એક સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર ટ્વીટ કર્યું કે ‘પ્રિયંકા ચોપડા જોનસ ફાઇનલી હવે બોલી છે. એથી હું પ્રિયંકાની યુએસની મૅનેજર અંજુલા અચારિયાનો ઇન્ટરવ્યુ વાંચવાની સૌને વિનંતી કરું છું. તે જણાવી રહી છે કે તેણે જ્યારે પ્રિયંકા સાથે ટૅલન્ટ ડીલ સાઇન કરી ત્યારે બૉલીવુડના કેટલાક લોકો એમાં ડિરેક્ટર, પ્રોડ્યુસર અને થોડા ઍક્ટર્સ પ્રિયંકાની નિંદા કરતા હતા અને તેને સમજાવતા હતા કે પ્રિયંકા સાથે કામ ન કરે, કેમ કે તેમના મુજબ તેનામાં ટૅલન્ટ નથી કે તે યુએસમાં કામ કરી શકે. એને કારણે તેને ખૂબ નુકસાન થયું છે.’
આ ટ્વીટ પર રિપ્લાય આપતા અંજુલાએ ટ્વીટ કર્યું કે ‘નનૈયો ભણનારા લોકોનો માત્ર ઘોંઘાટ હોય છે. પ્રિયંકા હાર માનનારી નથી અને અમે એ લોકોને ખોટા સાબિત કરી દેખાડ્યા છે. તેને મેં જ્યારે પહેલી વખત ટીવી પર જોઈ ત્યારે જ હું સમજી ગઈ કે તે ગ્લોબલ સ્ટાર બનવાની છે.’