24 March, 2025 06:54 AM IST | New york | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના શૂટિંગ માટે ભારતમાં હતી. જોકે હવે તે શૂટિંગ આટોપીને પોતાના ઘરે ન્યુ યૉર્ક પહોંચી ગઈ છે. પ્રિયંકા પોતાના ઘરે પહોંચીને બહુ ખુશ છે. તાજેતરમાં તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે ઘરે પાછી પહોંચવાની ખુશી વ્યક્ત કરી છે. આ પોસ્ટ નીચે પ્રિયંકાએ કમેન્ટ કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘ઘર જેવું કાંઈ નથી.’
આ પહેલાં પ્રિયંકાએ એક વિડિયો શૅર કરીને મહિલાના સ્વાભિમાનનો પોતાને થયેલો અનુભવ જણાવ્યો હતો. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તે જામફળ વેચતી એક મહિલાથી પ્રેરિત થઈ હતી. આ ઘટના વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું વિશાખાપટનમ ઍરપોર્ટ જઈ રહી હતી ત્યારે રસ્તામાં મેં એક મહિલાને જામફળ વેચતી જોઈ. મને જામફળ બહુ ગમે છે. મેં તેને રોકીને પૂછ્યું કે બધાં જામફળ કેટલાનાં? તેણે કહ્યું ૧૫૦ રૂપિયાના. મેં તેને ૨૦૦ રૂપિયા આપ્યા. તે મને છૂટા પૈસા આપવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મેં કહ્યું કે પ્લીઝ તમે રાખી લો, પણ તેણે એવું ન કર્યું.’
પોતાના આ અનુભવ વિશે વાત કરતાં પ્રિયંકાએ આગળ કહ્યું, ‘એ મહિલા જામફળ વેચતી હતી અને તેની પાસે પાછા આપવા માટે છૂટા પૈસા નહોતા. તે છૂટા પૈસા લેવા માટે ક્યાંક ગઈ અને ટ્રાફિક-સિગ્નલ ખૂલે એ પહેલાં પાછી આવી ગઈ અને મને બે વધુ જામફળ આપ્યાં. તે મફતના વધુ પૈસા નહોતી લેવા માગતી. મને આ વાત બહુ પ્રભાવિત કરી ગઈ.’