03 August, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસને ઇન્ડસ્ટ્રીમાં ૨૧ વર્ષ થતાં તેણે દરેકનો આભાર માન્યો છે. ૨૦૦૩માં આવેલી સની દેઓલની ‘ધ હીરો : લવ સ્ટોરી ઑફ અ સ્પાય’ દ્વારા તેણે કરીઅરની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે જુદા-જુદા અવૉર્ડ્સ શોમાં ડાન્સ કર્યો છે એ જોઈ શકાય છે. આ વિડિયો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘૨૦૦૧ અને ૨૦૦૨ દરમ્યાન મેં મુંબઈમાં પહેલી વાર ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મને નહોતી ખબર કે મારું સ્ટેજ અને સિનેમા સાથેનું લવ અફેર કેટલો સમય ચાલશે અને હું ક્યાં સુધી એના પર ડાન્સ કરીશ. હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે હું અન્ય પ્રવૃતિઓમાં પણ ભાગ લેતી હતી. જોકે ઇન્ડિયાના અદ્ભુત સિંગર દ્વારા ગાવામાં આવેલા મારી ફિલ્મના ગીત પર જ્યારે હું ડાન્સ કરતી ત્યારે એની વાત જ કંઈ અલગ હતી. દર્શકો સામે લાઇવ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાની વાત જ કંઈ અલગ હતી. મારો હસબન્ડ રોજ જે કરે છે એ કરવાનો મને ક્યારેક જ ચાન્સ મળે છે. મારા આ વિડિયો જોઈને મને મારી યુવાની યાદ આવી ગઈ જેમાં હું પર્ફોર્મન્સ માટે રોજ કલાકો સુધી રિહર્સલ કરતી. મારી આ જર્નીમાં કોઈ પણ રીતે મને મદદ કરવા બદલ તમારો આભાર. મેં યુવાનીમાં જે કામ કર્યું હતું એના લીધે આજે હું જ્યાં છું ત્યાં પહોંચી શકી છું. મને મારા પર ગર્વ છે.’