17 January, 2025 09:35 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લૉસ ઍન્જલસ અને આસપાસના વિસ્તારોમાં આગે ભારે વિનાશ વેર્યો છે. આ આગના કારણે જાનમાલનું ભયંકર નુકસાન થયું છે. ૨૫ લોકોનાં મોત થયાં છે અને ૪૦,૬૦૦ એકરથી વધુ વિસ્તારને નુકસાન થયું છે. આ આગને લીધે હજારો લોકોએ તેમનાં ઘર છોડવાં પડ્યાં છે અને અસંખ્ય ઘરો બળીને રાખ થઈ ગયાં છે. ભારતીય ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ પોતાના પરિવાર સાથે લૉસ ઍન્જલસમાં રહે છે. આગથી લાગેલી તબાહી પછી તેણે સોશ્યલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોને પોતાનો ટેકો આપ્યો છે.
પ્રિયંકા ચોપડાએ કેટલીક તસવીરો શૅર કરીને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ‘મારું દિલ ભારે છે. હું મારા પરિવારની સુરક્ષા માટે ખૂબ જ આભારી છું, પણ અમારા ઘણા મિત્રો અને સાથીદારોએ ઘણું ગુમાવ્યું છે. આ આગે અસંખ્ય પરિવારોને વિસ્થાપિત કર્યા છે અને સમગ્ર સમુદાયોને બરબાદ કરી દીધા છે જેના કારણે સહાયની અત્યંત જરૂરિયાત ઊભી થઈ છે. અગ્નિશામકો અને બચાવ કાર્યકરો પોતાનું બધું જોખમમાં મૂકી રહ્યા છે એટલે તેઓ વાસ્તવિક હીરો છે.’
પ્રિયંકાએ તેના ફૉલોઅર્સને રાહત કાર્યમાં દાન આપવા વિનંતી પણ કરી છે. તેણે અપીલ કરી છે કે કૃપા કરીને એવા લોકોને દાન કરો જેમણે બધું ગુમાવ્યું છે.