23 May, 2019 10:49 AM IST |
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બરનું કહેવું છે કે તે ક્યારેય તેને મળેલી તકને હળવાશથી નથી લેતો. તેણે ‘જાને તૂ... યા જાને ના’ દ્વારા બૉલીવુડમાં ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તે હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘છિછોરે’, ‘યારમ’ અને તામિલ ફિલ્મ ‘દરબાર’માં કામ કરી રહ્યો છે. આ સાથે જ તેણે ZEE5ના વેબ-શો ‘સ્કાયફાયર’માં પણ કામ કર્યું છે. આ શોમાં તેણે જર્નલિસ્ટનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વધુ જણાવતાં પ્રતીકે કહ્યું હતું કે ‘૧૯ વર્ષની ઉંમરે મેં પહેલી વાર ફિલ્મમાં કામ કર્યું હતું ત્યારે ઍક્ટિંગ કરવાનો કે ઍક્ટર બનવાનો મારો કોઈ ઇરાદો નહોતો. મારા માટે આ એક પેઇડ હૉલિડે જેવું હતું. હું પૈસા કમાઈને મારા મિત્રો સાથે પાર્ટી કરી શકું એ માટે મેં એ ફિલ્મ કરી હતી. મારે ખરેખર ઍક્ટર બનવું છે એનો અહેસાસ થયો ત્યારે હું એને ખૂબ જ સિરિયસલી લઈ રહ્યો હતો અને ઘણું શીખી પણ રહ્યો હતો. આ જ કારણ છે કે હું સફળતા અને ટીકાઓને દિલ પર નથી લેતો. સમયની સાથે હું એક વસ્તુ શીખ્યો છું કે કોઈ પણ તકને હળવાશથી ન લેવી. શરૂઆતના સમયમાં સફળતા મારા દિમાગ પર હાવી થઈ ગઈ હતી અને એનાં ખૂબ જ ખરાબ પરિણામ આવ્યાં હતાં. હું જીવનભર ઍક્ટિંગ કરવા માગું છું. હું પૈસાદાર બનું કે ગરીબ, ખૂબ જ ફેમસ બનું કે અજાણ; પરંતુ મારી ફિલ્મમાં હવે હું મારા સો ટકા યોગદાન આપું છું.’
આ પણ વાંચો : સાન્યા મલ્હોત્રાને બનવું છે બૅન્કેબલ ઍક્ટર