27 December, 2022 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર
અર્જુન કપૂરનું કહેવું છે કે પોલીસનું પાત્ર તેના માટે ખૂબ જ લકી છે. અર્જુન કપૂરે અગાઉ પણ પોલીસનું પાત્ર ભજવ્યું છે. તે હવે તેની આગામી ફિલ્મ ‘કુત્તે’માં પણ પોલીસના પાત્રમાં જોવા મળવાનો છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તે હવે ‘સંદીપ ઔર પિંકી ફરાર’ બાદ ફરી એક વાર પોલીસ-ઑફિસર બનવાનો છે. આ પહેલાં તે ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’માં પણ પોલીસના પાત્રમાં જોવા મળ્યો હતો. અર્જુને કહ્યું કે ‘પોલીસનું પાત્ર ખરેખર મારા માટે લકી ચાર્મ હોય તો મારા માટે એનાથી મોટી ખુશીની વાત કોઈ નહીં હોઈ શકે. ‘સંદીપ ઔર પિંકી ફરાર’માં પોલીસના રોલ માટે મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દર્શકોને એ પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું અને એ માટે મને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. ‘કુત્તે’માં મારું પાત્ર પોલીસનું છે અને મને જો એ માટે ફરી એ પ્રેમ અને સન્માન મળે તો હું એનો ખુશી-ખુશી સ્વીકાર કરીશ, કારણ કે ઍક્ટર તરીકે હું થોડો લાલચુ છું. હું ઇચ્છું છું કે મારી દરેક ફિલ્મનાં પાત્ર લોકોનાં દિલદિમાગ પર છવાઈ જાય. ‘કુત્તે’માં પોલીસનું પાત્ર ભજવીને મને ઘણું સુકૂન મળ્યું હતું. હું કાનૂનમાં માનનારો માણસ છું અને મને જ્યારે કાયદાથી હટીને કામ કરનાર ભ્રષ્ટ વ્યક્તિનું પાત્ર ભજવવાની તક મળી તો મારા માટે એ સંતોષકારક છે. યુનિફૉર્મ પહેરવો, ટોપી પહેરવી, સૅલ્યુટ કરવી અને મારા પાત્રને જોવું અને મેહસૂસ કરવું એનો અલગ જ રોમાંચ હતો.’
આ ફિલ્મને વિશાલ ભારદ્વાજના દીકરા આકાશ ભારદ્વાજે ડિરેક્ટ કરી છે. એના વિશે અર્જુને કહ્યું કે ‘આકાશે ‘કુત્તે’માં મને મારી ઍક્ટિંગ દેખાડવા માટે ખૂબ જ પ્રેરિત કર્યો છે. ડિરેક્ટર તમારા પર ભરોસો કરે અને તમારા સારા માટે વિચારે તો એનાથી સારી વાત કોઈ ન હોઈ શકે. તે હંમેશાં મારી પડખે ઊભો હતો અને મારું મનોબળ વધારતો હતો. આથી જ હું સારો પર્ફોર્મન્સ આપવાની કોશિશ કરું છું. મને આશા છે કે આ ફિલ્મમાં લોકોને મારું કામ પસંદ આવશે. હું હવે લોકોના રીઍક્શનની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે પોલીસનું પાત્ર ભજવવું મારા માટે ગેમ ચેન્જર બની શકે છે. પહેલાં મેં એક સસ્પેન્ડેડ પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવી હતી અને હવે હું એક ભ્રષ્ટ ઑફિસરની ભૂમિકા ભજવી રહ્યો છું. જોકે પૉઝિટિવ ચેન્જ લાવે એવાં પાત્ર મારે દુનિયા સામે લાવવાં છે. આ વસ્તુ યુનિફૉર્મમાં પણ છે અને એના દ્વારા બદલાવ લાવી શકાય છે. આપણા પોલીસ-ઑફિસર કોઈ પણ શરત વગર દિવસ-રાત આપણી સુરક્ષા કરે છે. હું દિલથી તેમની ઇજ્જત કરું છું. મને તક મળતાં જ હું ફરી સિનેમાના પડદા પર આવું પૉઝિટિવ પાત્ર ભજવવા માગીશ.’
બીમાર છે અર્જુન કપૂર
અર્જુન કપૂર બીમાર છે અને આ વાત તેણે સોશ્યલ મીડિયામાં કહી છે. અર્જુને પોતાનો ફોટો શૅર કર્યો છે. પોતાના ફોટોમાં તેણે મલાઇકા અરોરાને પણ ટૅગ કરી છે. ફોટોમાં તે મોબાઇલ પર વાત કરી રહ્યો છે અને ચહેરાના વિચિત્ર હાવભાવ દેખાઈ રહ્યા છે. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી, ‘આ હૉલિડે સીઝનમાં રેન્ડિયર બીમાર પડ્યો છે. ચિંતા કરવાની જરૂર નથી, મને કોવિડ નથી થયો.’