24 August, 2022 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શમશેરા (તસવીર સૌજન્ય મિડ-ડે)
તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. ફિલ્મનું પ્રમોશન તો પૂર-જોશમાં કરવામાં આવ્યું હતું, તેમ છતા ફિલ્મ સિનેમાઘરો સુધી દર્શકોને ખેંચી લાવવામાં નિષ્ફળ રહી હતી. ફિલ્મમાં રણબીર કપૂર સિવાય, વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ રિલીઝના એક જ મહિનામાં ઓટીટી પ્લેટફૉર્મ પર આવી ગઈ. હવે સોશિયલ મીડિયા પર ફિલ્મીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને લોકો એક મોટી મિસ્ટેક જણાવી રહ્યા છે. આ ફાઈટ સીક્વેન્સ પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હકિકતે ફિલ્મના એક ફાઇટ સીક્વેન્સ સીનમાં એક્ટ્રેસના ખોળામાં નવજાત શિશુને બતાવવામાં આવ્યો છે. લોકોનું માનવું છે કે આ સીનમાં એક્ટ્રેસના હાથમાં બાળક નહીં પણ માત્ર કપડું છે. આની સાથે લોકો ડિરેક્ટરનો મજાક પણ ઉડાડી રહ્યા છે. તે કહી રહ્યા છે કે ડિરેક્ટર પાસે એટલા પણ પૈસા નહોતા કે તે બાળક બતાવવા માટે ડૉલ ખરીદી લે. આ ક્લિપ ટ્વિટર યૂઝર @GumaanSinghએ શૅર કરી છે. આને શૅર કરતા તેમણે લખ્યું છે કે, "ચાલો માની લઈએ કે તે એક બાળક છે." આ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ વીડિયો જોયા પછી લોકો આના પર રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, "બૉલિવૂડવાળાને ખબર નહીં શું થઈ ગયું છે. મહેનત જ નથી કરવી." તો અન્ય એકે લખ્યું છે, "બાળક પોતાની જંગ જાતે લડી રહ્યો છે." એક અન્ય યૂઝરે લખ્યું, "બાળકનું બજેટ નહોતું એક ડૉલ લઈ લીધી હોત." આ રીતે લોકો `શમશેરા`ની આ ક્લિપનો મજાક ઉડાડી રહ્યા છે.