25 May, 2023 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ
બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને અપારશક્તિ ખુરાનાના પિતા પંડિત પી ખુરાના (Pandit P. Khurrana)નું ૧૯ મેએ નિધન થયું હતું. સમાચાર મળતાં જ મનોરંજન જગતમાં ભારે શોકનો માહોલ ઊભો થયો હતો. પિતાના અવસાન બાદ આયુષ્માન ખુરાનાએ હવે પહેલી પોસ્ટ કરી છે. અભિનેતાએ તેમના પિતા પંડિત પી ખુરાના માટે એક સ્પેશિયલ નોટ લખી છે અને કેટલીક તસવીરો પણ શૅર કરી છે.
અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટમાં ચાર તસવીરો શૅર કરી છે અને તેને સંબંધિત ચાર લાઇનના કેપ્શન પણ આપ્યા છે. પહેલી તસવીરમાં આયુષ્યમાન અને અપરશક્તિ ખુરાના તેમની મમ્મી સાથે ઊભા છે. તો બીજી તસવીરમાં સદ્ગતની તસવીરને ફૂલથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્રીજી તસવીરમાં બંને ભાઈઓ પરિવાર સાથે સ્વર્ગસ્થ પંડિત પી ખુરાનાની તસવીરને નમન કરી રહ્યા છે. છેલ્લી તસવીરમાં મીઠાઈનો એક જાર છે અને તેના પર પી ખુરાના દ્વારા લખવામાં આવેલી નોટ પણ છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં અભિનેતાએ લખ્યું છે કે, “માનું ધ્યાન રાખવાનું છે અને હંમેશા સાથે રહેવાનું છે. પિતા જેવુ બનવા માટે પોતાના પિતાથી ખૂબ જ દૂર જવું પડે છે. મને પહેલી વાર લાગે છે કે પપ્પા અમારાથી ખૂબ જ નજીક અને ખૂબ જ દૂર છે. અમારા ઉછેર, પ્રેમ, રમૂજી સ્વભાવ અને સૌથી સુંદર યાદો માટે આભાર. જય જય!”
ઉલ્લેખનીય છે કે પંડિત પી ખુરાના જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ગહન જ્ઞાન અને કુશળતા માટે વ્યાપકપણે જાણીતા હતા. તેઓ એક અગ્રણી જ્યોતિષી તરીકે જાણીતા હતા, તેમણે ઘણા પુસ્તકો લખ્યા હતા, જેને અસંખ્ય વાચકોએ અપાર પ્રેમ આપ્યો. બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા માટેના તેમના વિદ્વતાપૂર્ણ પ્રયત્નો અને સમર્પણને કારણે જ્યોતિષીય સમુદાયમાં તેમણે ખૂબ જ સન્માન મળ્યું હતું.
આ પણ વાંચો: મારી પહેલેથી જ શાનદાર ઍક્શન ફિલ્મ કરવાની ઇચ્છા હતી : શાહિદ કપૂર
તેમના નિધનના સમાચારે મનોરંજન જગતમાં આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના અનુયાયીઓમાં શોકની લહેર ફેલાવી હતી, જેમણે તેમની અસાધારણ પ્રતિભા અને વર્સેટિલિટીથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. ભાઈઓ અને તેમના પિતા વચ્ચેનો ગાઢ સંબંધ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે, જે તેમના પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે.