26 January, 2023 11:09 AM IST | Mumbai | Harsh Desai
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન
પઠાન
કાસ્ટ : શાહરુખ ખાન, જૉન એબ્રાહમ, દીપિકા પાદુકોણ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા
ડિરેક્ટર : સિદ્ધાર્થ આનંદ
રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)
શાહરુખ ખાન ચાર વર્ષ બાદ ફરી સિનેમાના પડદે ‘પઠાન’માં જોવા મળ્યો છે. ચાર વર્ષ બાદ જેટલા જોરશોરથી આવવો જોઈએ એટલા જોરશોરથી તે આવ્યો છે. જોકે મ્યુઝિકની જગ્યાએ અહીં બંદૂક અને બૉમ્બનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી, જેને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ‘વૉર’ અને ‘ટાઇગર’ સિરીઝ બાદ સ્પાય યુનિવર્સમાં એક વધુ ફિલ્મનો ઉમેરો કરવામાં આવ્યો છે.
સ્ટોરી ટાઇમ
શાહરુખ ખાને ફિલ્મમાં ‘પઠાન’નું પાત્ર ભજવ્યું છે. તેના નામની બૅકસ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ છે. તે એક ઇન્ડિયન સ્પાય હોય છે, જે દેશને બચાવવા માટે એક અલગ જ ટીમ બનાવે છે. તેનો સામનો આઉટફિટ એક્સના લીડર જિમ સાથે થાય છે. જિમનું પાત્ર જૉન એબ્રાહમે ભજવ્યું છે. જિમ કોણ હોય છે અને તે શું કામ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ હોય છે એની બૅકસ્ટોરી પણ કહેવામાં આવી છે. ભારતમાતાને જિમ અને તેનાં કરતૂતોથી બચાવવા માટ પઠાન એક મિશન પર નીકળે છે. આ મિશન પર તેની મુલાકાત રુબાઈ સાથે થાય છે. રુબાઈનું પાત્ર દીપિકા પાદુકોણે ભજવ્યું છે. રુબાઈની પણ બૅકસ્ટોરી કહેવામાં આવી છે, પરંતુ એને થોડાં જ દૃશ્યોમાં પતાવી દેવામાં આવી છે. આ બૅકસ્ટોરી કહેવું એટલે સ્પોઇલર કહેવું થાય છે. પઠાન ખૂનખાર ક્રિમિનલ જિમથી ભારતને બચાવવા માટે શું કરે છે અને કોની-કોની મદદ લે છે એ જોવું રહ્યું.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી સિદ્ધાર્થ આનંદ અને શ્રીધર રાઘવને લખી છે. સિદ્ધાર્થે આ ફિલ્મમાં પણ ‘વૉર’ની જેમ સ્ટાઇલ અને હૉટનેસને વધુ મહત્ત્વ આપ્યું છે. એને કારણે સ્ટોરીને નજરઅંદાજ કરવામાં આવી હોય એવું લાગે છે. ફિલ્મની સ્ટોરી પહેલા પાર્ટ સુધી બરાબર ચાલે છે, પરંતુ ત્યાર બાદ એમાં લોચા-એ-ઉલફત થવાનું શરૂ થાય છે. આ ફિલ્મની સ્ટોરીને વધુ ઇન્ટરેસ્ટિંગ અને ટ્વિસ્ટથી ભરપૂર બનાવી શકાઈ હોત. આ ફિલ્મમાં કોઈ પણ જોરદાર ટ્વિસ્ટ નથી. ‘વૉર’માં ટાઇગર શ્રોફનો જેવો ટ્વિસ્ટ હતો એવા જોરદાર ટ્વિસ્ટની અહીં અછત છે તેમ જ ઍક્શન દ્વારા થ્રિલ ઊભી કરવામાં આવી છે, પરંતુ એ વધુ સમય માટે નથી હોતી. સિદ્ધાર્થ આનંદ તેના ડિરેક્શનને લઈને એકદમ ચોક્કસ હતો. તેણે સ્ટાઇલ, હૉટનેસ અને ઍક્શન પર વધુ ફોકસ કર્યું છે. જોકે તેણે ફિલ્મની સ્ટોરી પર વધુ મહેનત કરવાની જરૂર હતી. એક પણ સબ-પ્લૉટ કે એક પણ ટ્વિસ્ટ એવો નથી જે પહેલાં ક્યારેય જોયો નહીં હોય. ઘણાં દૃશ્યોની કૉપી કરવામાં આવી હોય એવું લાગે છે. ખાસ કરીને દીપિકા જ્યારે ફિંગરપ્રિન્ટ માટે જાય છે ત્યારે ગલ ગડોટની યાદ જરૂર અપાવે છે. બિલ્ડિંગનાં દૃશ્ય પણ ટૉમ ક્રૂઝની યાદ અપાવે છે.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ સ્ટોરી અને ત્યાર બાદ એના ડાયલૉગ છે. ફિલ્મમાં જેટલા સારા ડાયલૉગ છે એનો સમાવેશ ટ્રેલરમાં કરવામાં આવ્યો છે. ત્યાર બાદ બધા ડાયલૉગ ખૂબ સામાન્ય અને અગાઉ સાંભળ્યા હોય એવા આઉટડેટેડ લાગે છે. સ્ટોરી એટલી કમજોર છે કે મોટા ભાગની ફૅન્સ-થિયરી સાચી પડે છે. આ સાથે જ વીએફએક્સ પર વધુ પડતા ડિપેન્ડન્ટ રહ્યા છે. એક કાર પલટી ખાતી દેખાડવા માટે વધુ પડતા વીએફએક્સ પર ફોકસ કરવામાં આવ્યું છે અને એ ખબર પડી જાય છે કે દૃશ્ય કમ્પ્યુટર ગ્રાફિક્સ છે. આટલા મોટા બજેટની ફિલ્મ જ્યારે બનાવવામાં આવી રહી હોય ત્યારે એક કારને રિયલમાં પલટી મરાવવાનું મેકર્સ જરૂર અફૉર્ડ કરી શક્યો હોત. આ સાથે જ જૉન અને શાહરુખ વચ્ચેની દુબઈમાં થતી ફાઇટમાં પણ એટલો દમ નથી. તેઓ જ્યારે ફાઇટ કરે છે ત્યારે દરેક ઍક્શન માપી-માપીને અને એકબીજાને તેઓ આગામી હુમલો ક્યાંથી કરવાના છે એ બતાવીને કરતા હોય એવું લાગે છે. જૉન અને શાહરુખની ફાઇટ કરતાં દીપિકાની ફાઇટ વધુ સારી છે. બાઇક અને કાર સુધી ઠીક હતું, પરંતુ જૉનભાઈ આ વખતે હેલિકૉપ્ટર સાથે ભીડી ગયા છે અને એ પણ એક નહીં, બે-બે. કૅપ્ટન અમેરિકાના, પણ એક હેલિકૉપ્ટરને પકડવામાં પસીનો છૂટી ગયો હતો, પરંતુ અમારા જિમભાઈ કૅપ્ટન અમેરિકા સે કમ હૈ ક્યા. જોકે આ સિવાય સૌથી મોટો માઇનસ પૉઇન્ટ સલમાન ખાનની એન્ટ્રીનો હતો. તેની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે કૉફી અને પેઇનકિલર તથા ચ્યુ ઇંગ ગમની વાત થાય છે. આઇ મીન સિરિયસલી. દેશના સૌથી મોટા બે સ્ટાર સાથે આવે અને એને વધુ ને વધુ મહત્ત્વ આપીને ફિલ્મ જોરદાર ઍક્શનથી ભરપૂર બનાવવાને બદલે એને કૉમેડી ફિલ્મ બનાવી દેવામાં આવી છે. આ પણ ફિલ્મનો ઘણો મોટો અને મહત્ત્વનો માઇનસ પૉઇન્ટ છે.
આ પણ વાંચો : અજય દેવગન હંમેશાં મારી ફૅમિલીના સપોર્ટમાં રહ્યો છે : શાહરુખ ખાન
પર્ફોર્મન્સ
શાહરુખ ખાન માટે ચાર વર્ષ બાદ કમબૅક કરવા માટે આ સારી ફિલ્મ છે, પરંતુ જો સ્ટોરી અને ડાયલૉગને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હોત તો આ ફિલ્મ ખૂબ જોરદાર બની શકી હોત. શાહરુખ ઍક્શન અવતારમાં બહુ ઓછો જોવા મળે છે. જોકે આ ફિલ્મમાં તે જ્યારે ઍક્શન કરે છે ત્યારે તેની એ ઇન્ટેન્સિટી જોવા નથી મળતી જે ‘રઈસ’માં જોવા મળી હતી. જોકે એનું કારણ એ છે કે મેકર્સે રૉ એજન્ટને કૉમેડી બનાવી દીધો છે. દીપિકા તેની હૉટનેસ અને ઍક્શન દ્વારા માહોલ ગરમ બનાવી દે છે. તે ઝોયાને જોરદાર ટક્કર આપવા આવી રહી છે. ફિલ્મમાં જો કોઈ સૌથી ઇમ્પ્રેસિવ હોય તો એ છે જિમ. જિમ જ્યારે-જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે તે પઠાન પર ભારે પડે છે. જોકે તેની પાસે ખૂબ ઓછાં દૃશ્ય છે. તે શરૂઆતમાં સ્ક્રીન પર જોવા મળે છે અને ત્યાર બાદ છેક ક્લાઇમૅક્સમાં. સ્ટોરીને એ રીતે લખવાની જરૂર હતી કે જિમ અને પઠાન વારંવાર સ્ક્રીન પર જોવા મળે. ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પાસે નામ પૂરતું કામ લેવાયું છે. ડિમ્પલ કાપડિયાનું એક દૃશ્ય ખરેખર સારું છે.
મ્યુઝિક
ફિલ્મનું સૌથી વિવાદિત સૉન્ગ ‘બેશરમ રંગ’માં દીપિકાએ જે બિકિની પહેરી છે એનો કલર ચેન્જ કરવામાં આવ્યો હોવાની વાતો આવી હતી, પરંતુ એવું નથી કરવામાં આવ્યું. જોકે શાહરુખ સાથેનું તેનું દૃશ્ય કાઢી નાખવામાં આવ્યું છે. ‘ઝૂમે જો પઠાન’નો સમાવેશ એન્ડ ક્રેડિટમાં કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખાસ નથી. ‘ટાઇગર’ સિરીઝ અને ‘વૉર’માં જે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હતું એટલું દમદાર આમાં નથી. મ્યુઝિક પણ કોઈ ઍક્શનને કારણે રૂંવાડાં ઊભાં કરી દે એવું જરાય નથી.
આખરી સલામ
‘વૉર’ જોઈ હોય તો એમાં એક ડાયલૉગ હતો કે કબીરને પકડવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન તેનો સ્ટુડન્ટ હોય છે. આ સ્ટુડન્ટ એટલે ટાઇગર શ્રોફ. ‘પઠાન’માં જિમના પાત્રનું કનેક્શન ‘વૉર’ના કબીર સાથે હોય છે. આથી કાયદેસર રીતે આ ફિલ્મમાં ‘પઠાન’ને બચાવવા માટે જિમ આવવો જોઈએ, કારણ કે જિમની રગેરગથી કબીર વાકેફ હોય છે. જો કબીરને ન જ બતાવવો હોય તો એ બીજા મિશન પર ગયો હોવાથી ટાઇગરને મોકલવામાં આવે છે એ દેખાડવું જરૂરી હતું. એક સ્પાય યુનિવર્સ દેખાડી રહ્યા હોય ત્યારે નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.